રમણીક અગ્રાવતની કવિતા/ગ્રીષ્મ
૬. ગ્રીષ્મ
વેરાન ખેતરોમાં સૂસવતો તડકો
ઊની ઊની માટી હોલાં જેવી ફફડે
થથરે ઉબડખાબડ છાતી કોતરની
બૂ નીતરે પરસેવાની
પીધા કરે પડછાયા
આંધળી ચાકણ જેવાં વૃક્ષો
ધૂળની ડમરીમાં ઝપટાતી
ખરી પડે અસંખ્ય બદામી પાંખો
અરુંપરું ઝાડીમાં
પાવાના સૂર ઠેબાં ખાય
અજવાળાનો ભારે કોથળો ખભે ઊઠાવી
એક ડોહો
વૈશાખી ટેકરી ઉતરતો
હળવે હળવે ઓ જાય...