રમણીક અગ્રાવતની કવિતા/ડૂબવિસ્તારો

૫૮. ડૂબવિસ્તારો

ધીરે ધીરે ચઢતાં પાણી
ક્યારે ઘેરી લે કેમ ખબર–
જોતજોતામાં પગરવ અને ચીલા સમેત પાદર
આખું ગરક
બચ્યાંખૂચ્યાં ઝાડ નિમાણાં
ઊભાં ડાળીઓ સમેટી
બસસ્ટેન્ડ ભીનાં ધાબાં જેવું કળાય
વધતાં છે કે થંભ્યાં છે પાણી, મળે ના કંઈ તાગ
જીવમાં મચે બૂમરાણ ભાગ ભાગ ભાગ
પગથિયાં ચઢીને સડેડાટ અંદર ગયેલો ડર
ક્યારે ક્યાં ગયો કંઈએ ના સમજાય
થડ પર ફરફરતી ખિસકોલીના નખના ઘસારા
ભીનાં થઈને લસર્યા
ક્યારેક જડ્યા’તા એ પથ્થરો એમ ને એમ ભૂલીને
જતાં રહ્યા હોકારા પડકારા
ચહલપહલ ચાંપી છાતીમાં ડૂબી ઓંસરીઓ
ચોક, પંચાયતઘર, મંડળી, કાવાદાવા,
કલહફજેતા, ગરબી, મેળા
બધું બધું પાણીમાં
ઊંઘમાં પડ્યું હોય એવું
ગામ વિનાનું ગામ
હવાતિયાં પડતાં મૂકી
ધીરે ધીરે–