રમણીક અગ્રાવતની કવિતા/તળમાં ઊતર્યું તળાવ

૭૦. તળમાં ઊતર્યું તળાવ

તળાવ વચ્ચે ખોડાઈ તરસ, આજુબાજુ ઉજ્જડ,
વાવંટોળે ઊડે ભડકા, બાવળ ચોકી સજ્જડ.
દેરીએ વધેરી સૂનકાર પળેપળ
ખાંખાંખોળા કરતી એકલવાયી પગદંડી પર
રઝળે નકરી અદૃશ્ય ભૂતાવળ.
ડઘાઈ ગયેલા પીપળે બચ્યાં છે માંડ
ગણીને બે-ત્રણ પાંદ.
મૂળે બાઝ્યાં ઊધઈનાં વરવાં પોડાં
જાણે ચોંટ્યાં સૂકાં ખરજવાં.
કીડીઓનાં દળકટક કરે કૂચકદમ અરતેફરતે
બૂઢા ગામની છાતીમાં મૂંઝારા જેવું
ના હલે કે ના ચલે તળાવ.