રમણીક અગ્રાવતની કવિતા/નગારું

૫૦. નગારું

ઝાલરનો ઠાવકો સંવાદ આરંભાય
હરખપદૂડી ઘંટડીઓ આઘીપાછી થાય
રજોટાયેલાં ગામ પર ફૂંકાય
સાંજનો શંખ

ભખભખે રાંધણિયાં, મઘમઘે ધૂપ
આંગણે આંગણે તુલસીક્યારે ઝગે દીવડા
ટેકરીઓ પગ બોળી નદીમાં
ઊતારે દિવસના થાક
પાદર પૂગતાં પૂગતાં
આખેઆખું આભ સંકેલાય
પાંદેપાંદથી બજાવે તાળી પીપળા
ઝાંખીપાંખી દિશાઓ ઢંઢોળતાં ગાજે નગારાં ઘોર