રમણીક અગ્રાવતની કવિતા/પોપટ

૧૨. પોપટ

લાલ ટોપી લટકમટક ગળે કાળો રૂમાલ
લીલે પીંછે મદમાતો
પોપટ આલે સલામ
બીબીની પોચી હથેળીમાં ચાંચ ઘસીન
પોપટ બોલે : મઝા મઝા
પોપટ રીઝ્યે બોલે : મઝા
ખીજે તો ય : મઝા
લાલ લીલું મરચું ખાય જરીક જામફળ ચાખે
સફરજનને ટોચો મારે
પોપટ વાસી બિસ્કિટ ફેંકી દે ને તાજાં તાજાં ખાય
દસ અબજ દસ કરોડ દસ લાખ નિશાળોમાં.
ઘૂંટાય પોપટની મઝાનો : મ
પોપટ ભૂખ્યો નથી, પોપટ રુઠ્યો ય નથી
પોપટ તસ્બી ફેરવે મઝાની
ભૂલથી જાળી ખૂલી રહે તો
પોપટ પોતે વાસી જાય
પોચી હથેળીનો પોઢણહાર ઘૂંટે મઝા કાંય!