રમણીક અગ્રાવતની કવિતા/ખોદ્યા કર્યો છે આયનો આયનાની બહાર
૧. સ્થિતિ
રૂપાળા આરંભ પછવાડે
સૂસવતો પટ કોરો અંતહીન
ખખડતો ભણકાર
ધીમે ધીમે ધીમે
વહી ચૂક્યો કાળ ઊકલે
વળી ગૂંચવાય
ઊકલે ગૂંચવાય ઊ-
-ફ ટકે નહીં ઝાઝું આરંભ
રૂપાળો રણકાર
ટકી રહે અતૂટ
ખખડતો ઓથાર
૨.
આડત્રીસ વરસ લગી
સ્થિતિએ મને ઘડ્યા કર્યો છે
આડત્રીસ આડત્રીસ વરસ પછી નીપજેલી
મારી સ્થિતિ
એક ઝાટકે કેમ સમજાવું?
તમારી સ્થિતિ લગોલગ
એને વહેવા દો
ચુપચાપ
૩.
મોટીમસ આંખે
ઘૂરી ઘૂરીને તાકી રહ્યો છે આયનો
કોરોધાકોર કાચ
મારા આવવાથી
આયનો બને.
એક ડગલું આયનામાં
એક ડગલું બહાર
હું જમણો હાથ હલાવું
આયનો ડાબો
મારી ડાબી આંખ ફરકે
જમણી આયનાની
મારી જમણી બાજુની ખુરશી
આયનામાં ડાબે
કપાયેલો અસબાબ
આયનામાં ઊલટસૂલટ
હું ચીસ પાડું મોટેથી
આયનો ખાલી હોઠ ફફડાવે
મારું પ્રતિબિંબ ઘસીને સાફ કરવા હાથ લંબાવું
લંબાય આયનામાંથી હાથ મારા ભણી...
૪. દરવાજો
મારા ઘરનો દરવાજો
આદમકદ આયનાના માપનો છે
રોજ એમાંથી દાખલ થાઉં દુનિયામાં
એમાંથી જ પ્રવેશ ઘરમાં.....
૫. પિંજર
આયનાઓમાં ખોવાઈ ગયો આભાસ
આ હમણાં
આઠ આયના લગી લગોલગ
પૂંઠે પગેરું દાબતો ચાલ્યો
નવમે આયને આવતાં ગૂમ
અડધું-પડધું નામ
ને ઝાઝો ઝૂલતો અવકાશ
બધે બસ
કોઈ ખસી ગયું ચુપચાપ...
ગલી ગલીમાં રસ્તે રસ્તે ઘૂમી વળ્યો
કોઈ આયને તરડ મળે ના
આયનામાં આયનાની જાળ ચસોચસ
ચઢી ઊંચા મકાને ખોલી દઉં બારી ફટાફટ
બધી દિશાની બધી જ બારીઓ
ખૂલે અન્ય આયને
બૂમ પાડી બરકું તો ઝૂલે નામ આયને આયને
ઝૂલે પડઘાનાં પ્રતિબિંબ...
૬. ખોદ્યા કર્યો છે આયનો
પાંચ હજાર વરસથી
કાચ-પેપર ઘસ્યા કરું છું આયના પર
ઝાકળપડ ભૂંસવા...
ટેરવાં ઘસાઈ ગયાં છે
નખ લીરેલીરા તો ય નડે છે
છાલાં ઊતરી ગયેલો આદિમ હાથ
ઘસ્યા કરે છે ઘસ્યા કરે છે...
ક્યારેક તો એવું લાગે છે
હાથને બદલે આખેઆખા વંશવેલાથી
ખોદ્યા કર્યો છે આયનો
કે આ સમગ્ર પરિશ્રમ
આયનાનો જ ભ્રમ છે?
ઘસાવાનો કર્કશ અવાજ
આયનાથી આયના લગી
ખુદ આયના જેમ ખડો છે.