રમણીક અગ્રાવતની કવિતા/પોપટ(૨)

૩૦. પોપટ

પોપટ કિયે તે મલકથી ઊતર્યો
વાંકડી ચાંચ પોપટને સોહતી
કાંઠલો કામણગારો મનડાં હરે
ધર્યા કાંઈ લીલુડા શણગાર...

ઘોલર મરચાં પોપટ કાજે વીણિયાં
મરચાં મૂકી પોપટ ચાટે મારી આંગળિયું
ચાટતાં આંગળિયું પોપટ ના ધરાય.

પોપટ પીઓ રે પીઓ રૂડાં જળ ધર્યાં
ઘડીક જળ રે જુએ ને ઘડીક આંખડી
પોપટ કેમ રે તમારાં મન ઠરે.

પોપટ આપું રે પોઢણ તમને હથેળિયું
કૂણી કૂણી નીંદરુંનાં કરો પલાણ
પોપટ કેમ રે તમારાં મન ઠરે.