રમણીક અગ્રાવતની કવિતા/ફરી ફરી

૧૬. ફરી ફરી

ટોળું આવે છે
મારા આંખ કાન નાક મોં હાથપગ
તમામ ઇન્દ્રિયો ઊતરડી જાય છે
મારે તો આ પૃથ્વીની પળો હજી પીવી હતી
ઊંઘથી લૂંટવી હતી અનર્ગળ રાતો
સૂરજથી ભરી દેવાં હતાં છલોછલ
મારાં એકેએક છિદ્રને
સૂંઘીને સંઘરવા હતા મબલખ સ્પર્શો
તૂટી પડી હવા એકાએક સનેપાત જેમ
છિદ્ર છિદ્રમાં પેસી ધડધડાટ
ફુગ્ગા જેમ ફુલાવી
તગતગતી માંસ-પેશીઓ ફાડતી
ફાટી પડી હાંફળા શહેરની ફાંફળી સનસનાટી
ફેંદાયેલાં ભૂખરાં વાદળ જેમ
શેરીઓમાં ઢસળી પડ્યા આંખોના ડોળા
ટોળાં આવે છે
આખી શેરીમાં લંબાઈને પડેલા મારા હાથ કચડતાં
ટોળાં આવે છે...