રમણીક અગ્રાવતની કવિતા/વહી જતા આભાસનું રેખાચિત્ર

૨૦. વહી જતા આભાસનું રેખાચિત્ર

સ્ફટિક નિર્મળી ક્ષિતિજ તગતગતો સૂરજ લાલ
ગંધાસવ ચકચૂર થનગનતાં વૃક્ષ અપાર.

હવા પાતળું વસ્ત્ર સુગંધી નજર ભરી લહેરાય
ઘ્રાણપ્રિયાના કેશ મનને મથે મથે લગાર.

છાતીમાં ટમક્યાં કરે કંપ હજી ય અનેક
ખળખળ મુઠ્ઠી ભીંસતી સંઘર્યા સ્પર્શ ડસેલ.

વહી જતા આભાસ સામટા સ્તબ્ધ ખડા રહી જાય
વિહ્‌વળ મનનો વેશ બાવરો ફરી ફરી ભજવાય.