રમણીક અગ્રાવતની કવિતા/વહી જતી સાંજ

૫૫. વહી જતી સાંજ


સંભાળજો, સાંજ પડી છે
સરિયામ રસ્તે સાવ ધણીધોરી વિનાની
ઝળઝળતી જણસ સાચેસાચની જડી છે.

હાથમાંથી હાથ જાગે
પગ બહાર નીકળી પડે પગ
જાતમાંથી સાવ નોખી થઈ આંખ ચાલી નીકળે.

બધાં જ બારણાં ખૂલી ગયાં છે અંદર તરફ
ચિર પુરાતન પ્રતીક્ષારત નજર
સદેહે સાક્ષાત ખડી છે.

સંભાળજો, સાંજ પડી છે.