રમણીક અગ્રાવતની કવિતા/વાદ્યોમાં હું રણકાર છું

૫૧. વાદ્યોમાં હું રણકાર છું

નક્ષત્રોની જેમ ઘૂમે છે વાદ્યો ચિદાકાશમાં
આપાદમસ્તક કબજો લઈ બેઠાં છે વાદ્યો
સ્વરનાડીઓમાં ધખધખે અજંપ લય
સ્વર સિવાય કશું જ સૂઝતું નથી આંખને
કાન હવે નહીં કૈં અન્ય કામના
ઘૂમરાતા ઘોષમાં ધીમું ધીમું ગરજતા શંખ એ
હાથ જાણે તડિંગ વીંઝાતી દાંડી નગારાની
કે ઢોલ પર ઢળેલી રમ્ય થાપ
નર્તન-ચકચૂર પગ થયા ઘૂઘરાને હવાલે
ખનકતી માણ જેમ પ્રતિપળ
ઝીંકાઉં છું ટિપાઉં છું સ્વરોથી
ધક્‌ ધક્‌ ધક્‌ ધ્રિબાંગ અટકતું નથી
એક ક્ષણ પણ મૃદંગ

....જાણે વાદ્યોમાંથી પ્રગટતો
અણથક રણકાર છું.