રમણીક અગ્રાવતની કવિતા/સંતાર વાગે સે

૮. સંતાર વાગે સે

ઢીલો ઢીલો સંતાર વાગે સે
હાલો હાંભળવાને જાયેં સંતાર વાગે સે

મોટા મોલ બંગલાના ઝાળી ઝરુખડા
વાની હડફેટે એના વાગે ફરુકડા
ઓઢી અંધાર મારે બારે સંતાર આવે સે

પગ પરમાણે મેં તો માગ્યા મારગડા
મારગડા મસ મોટા
સંતાર વાગે સે
હાથ પરમાણે મેં તો હખદખ હમજ્યા
થોડાં હાસાં થોડા ઝૂઠાં
સંતાર વાગે સે
કરમ પરમાણે મેં તો વાંસ્યા હંદેહડા
હંદેહા આડાઊભ લીટા
સંતાર વાગે સે