રમણીક અગ્રાવતની કવિતા/સંતૂર

૪૧. સંતૂર

શત શત પગે ભરે ફાળ ઉન્મત્ત ઝરણાં
દડદડતા સૂરો હરણઠેકમાં વીંધે ભાન

શ્વાસ શ્વાસ વચ્ચે મૂકી સૂર ઢગલીઓ
દાંડીને આછોતરે ટકોરે દોડી પડી
આ કોની ઉત્ફૂલ્લ પગલીઓ?

તારને અડકતામાં જ
જળબિન્દુઓ ખરી પડે એક સામટાં એમ
ઝંકારે ઝંકારે વેરાય જળશીકરો

રૂંવે રૂંવે ફૂટે કાન
ઝીલવા અનવરત વરસાદ

અંતરિક્ષમાં લટકતી શ્રુતિસીડીએ
ચઢ-ઊતર ઝરમર ફુહારમાં