રમણીક અગ્રાવતની કવિતા/સતીમાની દેરી

૭૨. સતીમાની દેરી

સાવ મથાળે તો નહીં
પણ ટેકરીની ટોચથી સહેજ હેઠ
ખાંગી થઈને બિરાજી છે દેરી.
દૂર દૂર વેરાયેલાં ગામનો બોલાશ
આવતાં આવતાંમાં થઈ જાય ભરભર ભુક્કો.
કાળી પડી ગયેલી વાંસની બટકેલી કાઠી પરથી
ક્યારનો ગાયબ થઈ ગયો છે ધજાનો છેલ્લો લીરો.
સન્નાટાને ઘૂંટતો પવન
વારે વારે ડોકું તાણી જાય દેરીમાં.
નાળિયેરની જેમ વધેરાતા રહે ભાંગેલા પ્રહરો.
તળેટીથી ટોચ લગી ચંપાઈ રહી છે
માત્ર નિર્જન કેડી.

ઘેટાંબકરાંના પારવા રવને પંપાળતી ટેકરી પરથી
મીટ માંડીને તાકી રહી છે દેરી
ક્યાંય ન જોતી હોય એમ.