રમણીક અગ્રાવતની કવિતા/સ્નાન

૨૬. સ્નાન

રાતનું આકાશ ખાબક્યું નદીમાં
ઊંઘરેટી માછલીઓએ ગલી કરી કરી
એનો થાકોડો હર્યો
દેડકાઓએ બળ કરી કરી
એનાં મેલાં બાકોરાં પૂરી દીધાં
કાંઠાની રાતરાણી શરમની મારી આડું જોઈ રહી
પોશ પોશ નાહ્યું પીટ્યું આભ
દિવસભરના અવાજનો કદડો
ફરી ધીમું ધીમું ડખોળતો રહ્યો રાતને...
પાંચ સાત ઉતાવળાં નક્ષત્રો વહેલાં વહેલાં ચઢી
ઊંચે
તો ય ન્હાતું રહ્યું આકાશ
ધબેડિયો તારો નીકળી આવ્યો બરકતો
ઘણું નો’તું જવું પણ
ટિંટોડીએ ચાંચથી ધકેલ્યું બેશરમને.