રમણીક સોમેશ્વરની કવિતા/ટેબલ (૨)

૫૪ . ટેબલ (૨)


જે લાકડામાંથી
પારણું બન્યું ભાષાનું
એ જ લાકડામાંથી
બન્યું
મારું ટેબલ
એની ઉપર
આકાશ પાથરી
હું
રમ્યા કરું છું
વાદળ વાદળ


બરફ જેવા
થીજેલા અક્ષર
ઓગળવા લાગ્યા
ટેબલની આંચે
અને
કાગળ
વહેળો બની ગયો


કાળામાંથી
પારજાંબલી બનતો
સક્કરખોરો
ઊડ્યો
સોનાલીની ડાળેથી
અને
ઘેરી લીધું
મારા ટેબલને


સાંજ પડે ને
આથમણી બારીએથી
છવાઇ જાય ટેબલ પર
ઉદાસ ધૂન
એના સૂરમાં સૂર મેળવી
ગણગણ્યા કરે ટેબલ
નવાં નવાં ગીત
એ લયમાં લસરતો
સૂરજ
સરી જાય ખીણમાં
ખીણના અંધારાને
ઘસી ઘસીને
પેટાવે ટેબલ
ફરી
એક તાજો સૂરજ