રમણીક સોમેશ્વરની કવિતા/તારે તો બહુ સારું છે

૪૬. તારે તો બહુ સારું છે

તારે તો બહુ સારું છે
પડછાયાનું આખે આખું પોત હવે બસ તારું છે

કાંટાળી ઝાડીમાં પણના એક ઉઝરડો પડે
પડછાયાને શું, એ વસ્ત્રો પહેરે કે પરહરે?
વાડ હોય કે વેલો તારે બધે જ ખોડીબારું છે
તારે તો બહુ સારું છે

પવન વહે કે પાણી, ના ખળખળવું કે ભીંજાવું
જ્યાં લગ છે આ ‘હોવું’ ત્યાં લગ લાંબા-ટૂંકા થાવું
તારું હોવું તારું ક્યાં છે, એ પણ તો પરબારું છે
તારે તો બહુ સારું છે.