રમણીક સોમેશ્વરની કવિતા/ધુમ્મસ નહીં

૩૮. ધુમ્મસ નહીં

ધુમ્મસ નહીં
પણ ધુમાડો
ઘેરી વળ્યો છે
દશે દિશાઓને

પંખીઓની
કપાયેલી પાંખોની કતરણથી
ગૂંગળાય છે હવા

કોલસાની ખાણોના
ખાણિયા જેવાં વૃક્ષો
કાળીભખ્ખ વાસ ઓઢીને
ઊભાં છે

શેરીમાં રમતાં
બાળકોની લખોટીઓ
ધડાકાબંધ
ફૂટવા લાગી છે

ભૂગોળના ભારે
વાંકો વળેલો
મારા ટેબલ પર પડેલો
પૃથ્વીનો ગોળો
ફાટવા લાગ્યો છે
હવે ચોમેરથી