રમણીક સોમેશ્વરની કવિતા/પોષનો તડકો
પોષનો તડકો
લસરતો
અહીંતહીં
ઊડે ચપટી ધૂળ
હાથ ફેલાવે આકાશે
કાબરચીતરાં વાદળ.
૦
કાલાં ફોલતી સ્ત્રીઓ
જીંડવામાં ઉકેલે
સમયને
૦
ગોદડીના ટેભામાં
સિવાઈ ગયેલો સમય
ટેભા તોડી
ડોકું કાઢે
૦
ઘાંચીની ઘાણીમાં પિલાતો
પાછલા પહોરનો અંધકાર
રણકે
બળદની ડોકે
ઘૂઘરામાં
૦
દળણાં દળતા ગાણામાં
થીજી ગયેલું પ્રભાત
અંદરના કોઈ ખૂણેથી
વહેવા લાગે અચાનક
૦
પડોશની
રૂપાળી ડોશી
ચરખે બેઠી કાંતે
એના વિખરાયેલા
ધોળાધોળા વાળને
પસવારતો પવન
પરભાતિયાં બની પથરાય...
૦
કરગઠિયાં બાળી
રોટલા ઘડતી દાદીનો
કરડાકી ભર્યો ચહેરો
ભીંતે થાપેલા છાણા જેવો
ડોકાય ડોકાય ત્યાં તો
રોટલા ખાવા
દાદીએ પાડેલો સાદ
ઝણઝણે કાને.
૦
મા
બોખું હસતી
ઊભી રહે સામે
એની ભોળી આંખોમાંથી
દદડી પડે
ઘૂટૂર ઘ્ઘુ...
ચોકમાં વેરાયેલા દાણા
ચાંચમાં ભરી ઊડી ગયેલાં
કબૂતરનાં પગલાંની છાપ
હજીય તાજી.
૦
પલટાય પવન
ખદબદે શેરી
વાહનોના અવાજથી
બદલાતું રહે
નાડીઓમાં વહેતું લોહી
નાડીઓ
એની એ જ.
૦
મેજ પર
લંબાયેલો કોરો કાગળ
પોષના તડકાને ખોતરતો ખોતરતો
ઉલેચે અંતરાલો.