રમણીક સોમેશ્વરની કવિતા/સાવ એકલું ઝાડ

૧. સાવ એકલું ઝાડ

સાવ એકલું ઝાડ નદીમાં ના’ય, નદીમાં ના’ય
શરમ-બહાવરી નદી ઘડીમાં દોડે, ઘડી છૂપાય
એકલું ના’ય, એકલું ના’ય, નદીમાં ઝાડ એકલું ના’ય

ઝાડ નદીમાં ભૂસકો મારી કૂદ્યું ભફાંગ કૂદ્યું
વહેવું ભૂલી નદી વિમાસે, શું થ્યું, શું થ્યું, શું થ્યું?
છાલક ઊડી આકાશે ને ઝાડ સ્વયં ભીંજાય
શરમ-બહાવરી નદી ઘડીમાં દોડે, ઘડી છૂપાય

ઝાડ નદીમાં ડૂબકી મારી અંગ અંગ ઝબકોળે
અને નદીમાં વમળ કેટલાં વમળ વળ્યાં છે ટોળે!
વમળ વમળમાં ઝાડ, નદી પણ પાન પાન ડોકાય,
સાવ એકલું ઝાડ નદીમાં ના’ય, નદીમાં ના’ય