રવીન્દ્રપર્વ/૧૦૦. કમલવનેર મધુપરાજિ
૧૦૦. કમલવનેર મધુપરાજિ
કમલવનના ભ્રમરો, તમે કમલભવનમાં આવો. આજે નવ વસંતના પવનમાં કેવી અમૃતતુલ્ય સુગંધ આવી રહી છે! વિમલ ચરણને પુલકથી ઘેરીને શત શતદલ ખીલી ઊઠ્યાં. એના ખબર દ્યુલોકભૂલોકમાં ભુવનેભુવને ફેલાઈ ગયા. ગ્રહોમાં અને તારાઓમાં કિરણે કિરણે રાગિણી બજી ઊઠે છે. ગીતનું ગુંજન અને કૂજનનો કલસ્વર કાનને વિહ્વળ કરી મૂકે છે. સાગર કલ્લોલની ગાથા ગાય છે; વાયુ શંખ વગાડે છે. વનપલ્લવમાં સામગાન સંભળાય છે, જીવનમાં મંગળગીત (બજી ઊઠે છે). (ગીત-પંચશતી)