રવીન્દ્રપર્વ/૧૧૫. કેન આમાય પાગલ કરે યાસ
૧૧૫. કેન આમાય પાગલ કરે યાસ
અરે હે ચાલ્યા જનારાંઓ, મને પાગલ કરીને તમે કેમ ચાલી જાઓ છો? આકાશમાં ઉદાસ પવન વાઈ રહ્યો છે, પ્રાણ ચંચળ થઈ ઊઠ્યા છે. પ્રભાતનો તારો દિશા ભૂલી બેઠો છે, શરદના મેઘની ક્ષણિક ધારા થઈ રહી છે — સભા ભાંગતી વેળાની આખરી વીણાની તાન ચંચળ લાગે છે. નાગકેસરની ખરેલી રેણુ ધૂળ સાથે મૈત્રી કરે છે. ગોધૂલિ એ રાતા પ્રકાશમાં પોતાની ચિતા પ્રગટાવે છે. શિશિરનો પવન પાંદડાં ખેરવે છે. આમળાનું વન મરણને માટે મત્ત બની ઊઠ્યું છે. વિદાયની બંસીના સૂરે સાંજ વેળાનો દિગંચલ વિહ્વળ થઈ ઊઠ્યો છે. (ગીત-પંચશતી)