રવીન્દ્રપર્વ/૧૨. આ મારા શરીર કેરી શિરાએ
૧૨. આ મારા શરીર કેરી શિરાએ
આ મારા શરીરકેરી શિરાએ શિરાએ
જે પ્રાણ-તરંગમાલા રાત્રિદિન ધાયે
એ જ પ્રાણ દોડી જાય વિશ્વદિગ્વિજયઢ્ઢ,
એ જ પ્રાણ અપરૂપ છન્દે તાલે લયે
નાચે છે જીવને — એ જ પ્રાણ ગૂપચૂપે
વસુધાની મૃત્તિકાના પ્રતિ રોમકૂપે
લક્ષ લક્ષ તૃણે તૃણે સંચરે હરષે,
વિકસી ર્હે પર્ણે પુષ્પે, વરસે વરસે
વિશ્વવ્યાપી જન્મમૃત્યુસમુદ્રહિંડોળે
ઝૂલ્યા કરે અન્તહીન ઓટભરતીએ.
કરું છું હું અનુભવ, એ અનન્ત પ્રાણ
અંગે અંગે મને જાણે કરી દે મહાન.
એ જ જુગજુગાન્તરનું વિરાટ સ્પન્દન
મારી આ નાડીમાં આજે કરે છે નર્તન.
(નૈવેદ્ય)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪