રવીન્દ્રપર્વ/૧૪૪. ક્યાંથી આવી ચઢ્યો

૧૪૪. ક્યાંથી આવી ચઢ્યો

ક્યાંથી અહીં આવી ચઢ્યો, નથી કશું યાદ.
અગણ્ય યાત્રીની સાથે તીર્થનાં દર્શને
અહીં વસુન્ધરાતલે; લાંગરી છે નૌકા
નીલાકાશસમુદ્રના ઘાટ પરે આવી.

સંભળાય, ચારે બાજુ દિવસ ને રાત
બજી રહૃાો વિરાટ સંસારશંખધ્વનિ
લક્ષ લક્ષ જીવનફુત્કારે આજ સુધી
યાત્રી નરનારી સાથે જામ્યો હતો મેળો
પુરીપ્રાન્તે પાન્થશાળા મહીં. સ્નાનેપાને
અપરાહ્ન થઈ ગયો ગલ્પે હાસ્યે ગાને.

ને હવે મન્દિરે તારે આવ્યો છું હું નાથ,
નિર્જને ચરણતલે કરી પ્રણિપાત
પૂજા હું કરીશ પૂરી આ જન્મની, પછી
નવતીર્થે ચાલ્યો જૈશ, હે વસુધેશ્વર.
(નૈવેદ્ય)