રવીન્દ્રપર્વ/૧૫૬. અકાળ નિદ્રા

૧૫૬. અકાળ નિદ્રા

જઈ ચઢ્યો’તો વણબોલાવ્યો.
થયું કે લાવ, જરા અટકચાળું કરું, —
ઓચંતાિની ખલેલ પાડું કવખતે
એના કમર કસેલા ગૃહિણીપણામાં.
બારણામાં પગ મૂકતાં જ જોઉં છું તો —
ભોંય પર એ સૂઈ ગઈ છે;
નજરે પડ્યું એની અકાળ નિદ્રાનું રૂપ.

દૂર ફળિયામાં લગનને ઘરે શરણાઈ બજે છે
સારંગને સૂરે.
પ્રથમ પ્રહર વીતી ગયો છે
જેઠના તડકાથી લચી પડેલી સવાર વેળાએ.
એક ઉપર એક હાથ મૂકીને ગાલ નીચે,
ઊંઘી ગઈ છે શિથિલ દેહે
ઉત્સવરાત્રિના થાકથી
અસમાપ્ત ઘરકામની એક બાજુએ.

કર્મોત નિસ્તરંગ એને અંગેઅંગ,
અનાવૃષ્ટિમાંય અજય રહેલી નદીની
તટ પાસેની શ્રાન્ત અવશિષ્ટ જલધારાની જેમ.

સહેજ ખુલ્લા બે હોઠમાં ભળી ગઈ છે
બીડાવા આવેલા ફૂલની મધુર ઉદાસીનતા.
બે નિદ્રાધીન આંખોની કાળી પાંપણોની છાયા
પડી છે એના ગોરા ગાલે.
થાકેલું જગત ચાલ્યું જાય ચોરપગલે
એની ખુલ્લી બારી સામે થઈને
એના શાન્ત નિ:શ્વાસને છન્દે.
ઘડિયાળનો ઇશારો
બહેરા ઘરમાં ટિક્ ટિક્ કરે છે ખૂણામાં ટેબલ પર,
પવનમાં ઝૂલે છે કેલેંડર ભીંત પર.
વીત્યે જતી ક્ષણોની ગતિ ગૂમ થઈ ગઈ એની સ્તબ્ધ ચેતનામાં;
ફેલાવી દીધી એમણે એમની અશરીરી પાંખ
એની ગાઢ નિદ્રા પર.
એના થાકેલા દેહની કરુણ માધુરી ભળી ગઈ ભોંય સાથે,
જાણે પૂણિર્માની રાતનો નંદિર ખોઈ બેઠેલો ચન્દ્ર
સવાર વેળાએ સૂના મેદાનની શેષ સીમાએ.

પાળેલી બિલાડી દૂધનો વખત થયો તે યાદ કરાવવા
મ્યાઉં કરી ગઈ એના કાનમાં.
ચમકીને જાગી ઊઠતાં એણે જોયો મને,
ઝટઝટ સાડીનો છેડો ખેંચી લીધો છાતી પર
અભિમાનભરી બોલી: છિ, છિ
અત્યાર સુધી મને જગાડી કેમ નહીં?

કેમ નહીં! હું એનો ઠીક જવાબ દઈ શક્યો નહીં.
જેને સારી પેઠે જાણું તેનેય પૂરું જાણું નહીં
આ વાત સમજાઈ જાય છે કોઈ વાર અકસ્માત્.

હાસ્ય આલાપ થંભી ગયાં છે,
મનમાં થંભી ગઈ છે પ્રાણની હવા
ત્યારે એ અવ્યક્તના ઊંડાણે
આ કોણે દેખા દીધી આજે?
એ શું અસ્તિત્વનો પેલો વિષાદ
જેનું તળિયું મળતું નથી?
એ શું પેલો જ મૂક પ્રશ્ન
ઉત્તર જેનો સંતાકૂકડી રમે છે આપણા લોહીની ભીતર?
એ શું પેલો વિરહ
જેનો ઇતિહાસ નથી,
આ જ શું અજાણી બંસીના સાદે અજાણ્યા માર્ગે
સ્વપ્ને ચાલી નીકળવું કે?
નિદ્રાના સ્વચ્છ આકાશ તળે
કશાક નિર્વાક્ રહસ્યની સામે એને નીરવે પૂછ્યું —
‘કોણ છે તું?
તારો અન્તિમ પરિચય પ્રગટ થશે કયા લોકમાં?’

તે દિવસે સવારે ગલીને પેલે પાર પાઠશાળામાં
નિશાળિયાઓ ઘાંટો પાડીને રૂપાખ્યાન ગોખતા હતા,
માલ લાદેલી પાડો જોડેલી ગાડી
પૈંડાના કર્કશ શબ્દે ચક્કર ખવડાવે છે પવનને;
ધાબું પીટે છે ફળિયાના કોઈક ઘરે;
બારી નીચેની વાડીમાં
આમલીની નીચે
ઉચ્છિષ્ટ કેરીનો ગોટલો લઈને
ખેંચાખેંચ કરે છે એક કાગડો.
આજે આ સમસ્તની ઉપર વિખેરાઈ ગયું છે
એ દૂરના સમયનું માયારશ્મિ.
ઇતિહાસે વિલુપ્ત
તુચ્છ એક મધ્યાહ્નના આળસઘેર્યા તાપે
એ બધા અદ્ભુત રસથી ઘેરાઈ રહી છે
અકાળ નિદ્રાની એક છબિ.
ક્ષિતિજ : માર્ચ, ૧૯૬૧