રવીન્દ્રપર્વ/૨૦૫. રૂપ અને અરૂપ
જગત કહીને આપણે જેને જાણીએ છીએ તે જ્ઞાનને આપણા દેશમાં માયા કહે છે. વસ્તુત: એમાં જે એક માયાનો ભાવ રહ્યો છે એવું માત્ર તત્ત્વજ્ઞાન કહેતું નથી, વિજ્ઞાન પણ કહે છે. કોઈ પણ પદાર્થ ખરું જોતાં સ્થિર નથી, એનાં સમસ્ત અણુ-પરમાણુ સદા કમ્પમાન અવસ્થામાં હોય છે ને છતાં એને ઓળખતી વેળાએ ને વાપરતી વેળાએ આપણે એને સ્થિર જ ગણતા હોઈએ છીએ. ગમે તેવી ઘટ્ટ વસ્તુ પણ જાળની જેમ છિદ્રછિદ્રવાળી હોય છે ને છતાં એને ઓળખતી વેળાએ આપણે એને અછિદ્ર કહીને જ ઓળખાવીએ છીએ. સ્ફટિક કઠિન હોય છે એ વાત દુર્યોધન એને સ્પર્શીને શીખ્યો હતો, ને છતાં પ્રકાશ આગળ એ જાણે કશું છે જ નહીં એવું જ લાગે. આ બાજુ એક મહાપ્રબળ આકર્ષણ સૂર્યથી તે પૃથ્વી અને પૃથ્વીથી તે સૂર્ય સુધી પ્રસરેલું છે; એ લાખ્ખો ને કરોડો હાથીનાં સૈન્યને પરાસ્ત કરે એવું છે, ને છતાં એમાં જ રહીને જીવનારાં આપણને કરોળિયાની જાળ જેટલોય એનો ભાર વરતાતો નથી, આપણા સમ્બન્ધમાં જે છે અને જે નથી તે બંને અસ્તિત્વ-રાજ્યમાં જોડિયા ભાઈની જેમ એકસરખાં પરમાત્મીય છે; એ બે વચ્ચે કદાચ કશો જ ભેદ નથી; વસ્તુ માત્ર એક બાજુથી જોતાં બાષ્પ, એ બાષ્પ ધીમે ધીમે ઘન થાય છે તેથી જ એને દૃઢ આકારે બંધાઈને પ્રત્યક્ષ થતી જોઈએ છીએ. પણ ઉત્તાપની માત્રા વધતાં એ ફરીથી કણકણ થઈને મરીચિકાની જેમ ધીમે ધીમે દૃષ્ટિથી અગોચર થઈ જવાની સ્થિતિમાં સરી પડે છે. આમ તો હિમાલય પર્વતની ઉપરના મેઘની સાથેના હિમાલયના ભેદને આપણે ઘણો મોટો ગણીએ છીએ, પણ ભેદની એ ગુરુતરતાનો સહેજ વિચાર કરીશું તો એ લઘુ થઈ જશે. મેઘ જેમ અદૃશ્ય એવી બાષ્પનાં કરતાં વધુ ઘન છે તેમ હિમાલય પણ મેઘના કરતાં વધુ ઘન છે એટલું જ. વળી કાળની અંદર થઈને જોતાં બધું જ પ્રવહમાન દેખાશે. તેથી જ આપણે ત્યાં વિશ્વને જગત કહ્યું છે, સંસાર કહ્યું છે; એ ક્ષણભર પણ સ્થિર રહેતું નથી, ચાલ્યે જ જાય છે; સર્યે જ જાય છે. જે ચાલ્યે જ જાય, સર્યે જ જાય તેનાં રૂપને આપણે શી રીતે જોઈએ? રૂપમાં તો એક પ્રકારનું સ્થિરત્વ રહેલું છે. જે ચાલે તેને એ જાણે ચાલતું જ નથી એવા ભાવથી જો નહિ જોઈએ તો એ દેખાય જ નહીં. ભમરડો જ્યારે દ્રુત વેગે ઘૂમતો હોય ત્યારે આપણને એ સ્થિર થઈ ગયેલો દેખાય છે. માટીને ભેદીને જે અંકુર બહાર આવે છે તેમાં પ્રત્યેક પળે પરિવર્તન થયા જ કરતું હોય છે. તેથી જ તો એની પરિણતિ શક્ય બને છે. પણ આપણે જ્યારે એના ભણી નજર માંડીએ છીએ ત્યારે એમાં કશી ઊથલપાથલનો અણસાર સરખો દેખાતો નથી, કશી અધીરાઈ કે વ્યગ્રતા નજરે પડતાં નથી. કેમ જાણે અનન્ત કાળ સુધી એ માત્ર અંકુરની સ્થિતિમાં જ રાજીખુશીથી રહેવાનું ન હોય! કેમ જાણે વિકાસ સાધવા સાથે એને કશી નિસ્બત જ ન હોય! આપણે એના પરિવર્તનના અંશને જોતા નથી, એની સ્થિતિના જ ભાવને જોતા હોઈએ છીએ. આ પૃથ્વીને આપણે ક્ષુદ્ર કાળની સીમામાં બદ્ધ કરીને જોઈએ છીએ તેથી જ એને ધુ્રવ કહીને વર્ણવીએ છીએ, ધરણી આપણે મન ધૈર્યનું પ્રતીક છે. પણ બૃહત્ કાળમાં મૂકીને જોતાં એ ધ્રુવરૂપ દેખાશે નહીં, ત્યારે તો એની બહુરૂપી મૂર્તિ ધીમે ધીમે વ્યાપી જઈને એવી તો થઈ જાય છે પછી એ આપણી દૃષ્ટિથી અગોચર બની જાય છે. આપણે બીજને ક્ષુદ્ર કાળની સીમામાં બીજરૂપે જોઈએ છીએ, પણ બૃહત્કળમાં એને જોતાં તે વૃક્ષ થઈને અરણ્યપરમ્પરારૂપે અનેકવિધ વૈચિત્ર્યભર્યાં રૂપાન્તર પામી આખરે ખનિજ કોલસાની ખાણ બનીને અગ્નિમાં બળીને ધુમાડો ને રાખ થઈને શુંનું શું બની જાય છે તેનો પત્તો પણ ખાતો નથી. આપણે ક્ષણકાળમાં બાંધી દઈને જેને ઘનીભૂત કરીને જોઈએ તે ખરું જોતાં તેનું વાસ્તવિક રૂપ હોતું નથી, કારણ કે સાચોસાચ એ એવી રીતે બંધાયેલું હોતું નથી, અને ક્ષણકાળમાં જ એનો શેષ આવી જતો નથી. આપણે એને જોઈ શકીએ ને જાણી શકીએ એટલા ખાતર એને સ્થિર કરીને અળગું પાડીને જે નામ આપીએ છીએ એ નામ એનું ચિરકાળનું સાચું નામ હોતું નથી. એથી જ આપણે જે કાંઈ જોઈએ છીએ ને જાણીએ છીએ એમ માનીને સ્થિર કરીએ છીએ તેને માયા કહેવામાં આવે છે. નામ અને રૂપ શાશ્વત નથી એ વાત તો આપણા દેશનો ખેડૂત સુધ્ધાં કહી શકશે. પણ ગતિને જે સ્થિતિ દ્વારા આપણે જાણીએ છીએ તે સ્થિતિનું તત્ત્વ કાંઈ આપણું પોતાનું ઘડેલું તો નથી હોતું. એને ઘડવાની ક્ષમતા આપણામાં ક્યાંથી આવે? આથી ગતિ જ સત્ય, સ્થિતિ નહીં, એવું કહીશું તે કેમ ચાલશે? વસ્તુત: સત્યને જ આપણે ધ્રુવ કહીએ છીએ, નિત્ય કહીએ છીએ. સમસ્ત ચંચલતાના કેન્દ્રસ્થાને એક સ્થિતિ છે માટે જ તો એના વિધૃતિસૂત્રે આપણે જે કાંઈ જાણીએ છીએ તે જાણવાનું શક્ય બને છે, નહીં તો આ જાણવાકરવાની બલા જ ન રહી હોત, જો ક્યાંક પણ સત્યની ઉપલબ્ધિ ના થતી હોત તો જેને આપણે માયા કહીએ છીએ તેને આપણે માયા ન કહી શક્યા હોત. એ સત્યની વાત કરતાં જ ઉપનિષદ કહે છે: એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાગિર્ નિમેષા મુહૂર્તા અહોરાત્રાણ્યર્ધમાસા ઋતવ: સંવત્સરા ઇતિ વિધૃતાસ્તિષ્ઠન્તિ| હે ગાર્ગી, એ અક્ષરના પ્રશાસનમાં જ નિમેષ મુહૂર્ત અહોરાત્ર અર્ધમાસ ઋતુઓ અને સંવત્સરો વિધૃત થઈને રહે છે. અર્થાત્ આ સમસ્ત નિમેષ મુહૂર્તદિને આપણે એક બાજુથી જોઈએ તો બધું ચાલતું લાગે છે, પણ બીજી બાજુથી જોતાં એ બધાં એક નિવિર્ચ્છિન્નતાના સૂત્રે વિધૃત થઈને રહ્યાં છે. આથી જ કાળ વિશ્વચરાચરને છિન્ન કરતો જતો નથી, એને સર્વત્ર જોડીને ગૂંથતો ચાલ્યો જાય છે. એ જગતનો ચકમક ઘસવાથી થતા સ્ફુલંગિની પરમ્પરાની જેમ નિક્ષેપ કરતો નથી, આદ્યન્ત યોગયુક્ત શિખાની જેમ એને પ્રકટ કરે છે. જો આમ ના હોત તો આપણે ક્ષણ જેટલા કાળનેય જાણી ન શક્યા હોત. કારણ કે આપણે એક ક્ષણને બીજી ક્ષણ સાથે જોડીને જ જાણી શકીએ છીએ, વિચ્છિન્નતાને જાણી શકતા જ નથી. આ યોગનું તત્ત્વ તે જ સ્થિતિ. અહીં જ સત્ય, અહીં જ નિત્ય. જે અનન્ત સત્ય, એટલે કે જે અનન્ત સ્થિતિ, તે અનન્ત ગતિમાં જ પોતાને પ્રકટ કરે છે. આથી અભિવ્યક્તિમાત્રમાં બે બાજુ રહેલી છે. એ એક બાજુથી બદ્ધ છે, નહીં તો એ પ્રકટ થાય જ નહીં; એ બીજી બાજુથી મુક્ત છે, નહીં તો એ અનન્તની અભિવ્યક્તિ થઈ શકે નહીં. એક તરફથી એ અસ્તિત્વમાં આવે છે તો બીજી તરફથી એનું અસ્તિત્વમાં આવવાનું પૂરું થયું નથી, તેથી જ તો એ કેવળ ચાલે છે. તેથી જ તો જગત જગત છે, સંસાર સંસાર છે. તેથી જ તો કશું વિશેષરૂપ પોતાને ચરમ ભાવે બદ્ધ કરી દેતું નથી, જો એમ કર્યું હોત તો અનન્તની અભિવ્યક્તિમાં અન્તરાય ઊભો થયો હોત. આથી જેઓ અનન્તની સાધના કરે છે, જેઓ સત્યની ઉપલબ્ધિ કરવા ઇચ્છે છે, તેમને વારેવારે એ વાત મનમાં રટ્યા કરવી પડે છે કે એઓ ચારે બાજુ જે કાંઈ જુએ છે, જાણે છે તે જ ચરમ નથી, સ્વતન્ત્ર નથી; એક્કેય ક્ષણે એ પોતાને પૂર્ણ કરીને પ્રકટ કરતું નથી, જો એમ થતું હોત તો એ પ્રત્યેક સ્વયમ્ભૂ સ્વપ્રકાશ બનીને સ્થિર થઈને રહ્યું હોત. એ બધાં અન્તહીન ગતિ દ્વારા જે અન્તહીન સ્થિતિનો નિર્દેશ કરે છે એમાં જ આપણા ચિત્તનો ચરમ આશ્રય, ચરમ આનન્દ. આથી જ આધ્યાત્મિક સાધના ક્યારેય રૂપની સાધના બની શકે નહીં. એ સમસ્ત રૂપમાં થઈને ચંચળ રૂપનાં બન્ધનને અતિક્રમીને ધુ્રવ સત્યની દિશામાં જવાનો પ્રયત્ન કરે છે. જે કોઈ ઇન્દ્રિયગોચર વસ્તુ પોતાને જ ચરમ ગણીને, સ્વતન્ત્ર હોવાનો ડોળ કરે છે તેના છદ્મતાના આવરણને ભેદીને સાધક તો પરમ પદાર્થને જ જોવા ઇચ્છતો હોય છે. જો આ સમસ્ત નામરૂપનું આવરણ ચિરન્તન હોત તો એ આવરણને ભેદી જ ન શક્યો હોત. જો આ બધું અવિશ્રામ પ્રવહમાન રૂપે સદા પોતાની વાડને પોતાને હાથે જ ભાંગીને આગળ વધી ન રહ્યું હોત તો એ બધાં સિવાય બીજું કશું મનુષ્યના મનમાં ક્ષણવાર પણ સ્થાન પામી ન શક્યું હોત તો એ બધાંને જ સત્ય જાણીને આપણે નિશ્ચિન્ત થઈને બેસી ગયા હોત, તો વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન એ સમસ્ત અચલ પ્રત્યક્ષ સત્યની ભીષણ શૃંખલાથી બંધાઈ જઈને સાવ મૂક અને મૂછિર્ત થઈ ગયું હોત. એની પાછળ બીજું કશું જોવાનું રહ્યું જ ના હોત. પણ સમસ્ત ખણ્ડ વસ્તુ ચાલ્યે જ જાય છે તેથી જ તો હારબંધ ઊભી રહીને એ રસ્તો રોકી દેતી નથી, ને આપણે અખણ્ડ સત્યનું અક્ષય પુરુષનું સન્ધાન પામી શકીએ છીએ. એ સત્યને જાણીને એ પુરુષ આગળ પોતાના સમસ્તનું નિવેદન કરી દેવું તેનું જ નામ આધ્યાત્મિક સાધના. આથી જ એઓ સત્યની દિશામાંથી રૂપની દિશામાં અવળે માર્ગે જઈ શકતા નથી. આ તો થઈ આધ્યાત્મિક સાધના. શિલ્પ-સાહિત્યની સાધનાનું શું? એ સાધનામાં મનુષ્યનું ચિત્ત પોતાને બહારનું રૂપ દઈને એ રૂપ દ્વારા જ ફરીથી પોતાને જ જોતું હોય છે. સૌન્દર્યમાં આનન્દ પોતાને જ બહાર પ્રકટ થયેલો જુએ છે, એમાં જ સૌન્દર્યનું ગૌરવ. મનુષ્ય પોતાના સૌન્દર્યસર્જનમાં પોતાના જ આનન્દમય સ્વરૂપને જોઈ શકે છે, કળાકારની કળાને માટે કે કવિની કવિતા માટે આ જ કારણે મનુષ્યને આટલો બધો અનુરાગ હોય છે. કળામાં કે સાહિત્યમાં મનુષ્યને જો માત્ર બહારનું રૂપ જ દેખાતું હોત, જો એમાં એને પોતાના દર્શન ન થતાં હોત તો કળા અને સાહિત્ય એને માટે સાવ વ્યર્થ બની રહ્યાં હોત. આથી જ તો કળા અને સાહિત્યમાં ભાવવ્યંજના (suggestiveness)નો આટલો બધો આદર છે. એ ભાવવ્યંજના દ્વારા રૂપ પોતાની ઐકાન્તિક વ્યક્તિતાનો યથાશક્ય પરિહાર કરે છે ને અવ્યક્તની અભિમુખ થઈને પોતાને વિલીન કરી શકે છે. માટે જ મનુષ્યનું હૃદય એનાથી પ્રતિહત થતું નથી. રાજોદ્યાનનું સિંહદ્વાર કેવું હોય છે? ભલે ને એ ગમે તેટલું અભ્રભેદી હોય, એનું નકશીકામ ભલે ને ગમે તેટલું સુન્દર હોય, છતાં એ કદી એમ નથી કહેતું કે મારી આગળ જ રસ્તો પૂરો થયો. મૂળ ગન્તવ્ય સ્થાન તો એને વટાવી ગયા પછી જ આવે છે. એ જ વાત એને કહેવાની હોય છે, તેથી જ તો ભલે ને ગમે તેટલા અડીખમ પથ્થરથી એને ચણ્યું હોય, તોય એ પોતાનામાંથી પસાર થવા જેટલો માર્ગ મોકળો રાખે છે. ખરું જોતાં, એ અવકાશને પુષ્ટ કરવાને જ એ ત્યાં ઊભું હોય છે. એ ‘ના’ના અવકાશને જો એ સાવ પૂરી દે તો સિંહદ્વારનો માર્ગ સાવ રૂંધાઈ જાય, તો એના જેવો નિષ્ઠુર અન્તરાય એકેય નહીં, તો તો એ દીવાલ જ બની રહે ને જે લોકો મૂઢ છે તેઓ એમ માની લે કે જોવા જેવી વસ્તુ આ જ છે, એની પાછળ કશું નથી. પણ જેમને પેલે પારની એંધાણી મળી છે તેઓ એને કેવળ અતિસ્થૂલ મૂર્તિમન્ત બાહુલ્ય લેખીને અન્યત્ર માર્ગ શોધવા નીકળી પડે છે. રૂપ માત્ર આ પ્રકારનું સિંહદ્વાર છે. એ પોતાનામાંના અવકાશને કારણે જ ગૌરવ લઈ શકે છે. એ કેવળ પોતાનો જ નિર્દેશ કરે તો છેતરે, માર્ગ તરફ આંગળી ચીંધે ત્યારે જ સાચી વાત કહે. એ ભૂમાને દેખાડે, આનન્દને પ્રકટ કરે, સાહિત્યકળામાં કે જગતમાં એનું એ જ માત્ર કર્તવ્ય છે. પણ કદીક કદીક એ દુરાકાંક્ષાગ્રસ્ત દાસની જેમ પોતાના સ્વામીના સિંહાસન પર ચઢી બેસવાનો પ્રયત્ન કરે, ત્યારે એની એ દુષ્ટતામાં જો આપણે સાથ આપીએ તો આફત ઊભી થાય. ત્યારે એને નષ્ટ કરવું એ જ આપણી એના પ્રત્યેની ફરજ થઈને ઊભી રહે. પછી ભલે ને એ ગમે તેટલું પ્રિય હોય, આપણા પોતાના અહમ્નું જ એ રૂપ હોય તોય શું! વસ્તુત: જે રૂપ છે તેને જ જો મોટું કરીને જોઈંએ તો જે બૃહત્ની એ અભિવ્યક્તિ કરવા ધારે છે તેને જ આપણે ખોઈ બેસીએ. મનુષ્યનાં સાહિત્યશિલ્પકળામાં હૃદયનો ભાવ પ્રકટ થાય છે એ ખરું પણ એ રૂપથી બંધાઈ જતો નથી. એથી જ તો નવાં નવાં રૂપનો પ્રવાહ એ સરજ્યે જાય છે. તેથી જ પ્રતિભાને ‘નવનવોન્મેષશાલિની પ્રજ્ઞા’ કહી છે. પ્રતિભા રૂપમાં ચિત્તને વ્યક્ત કરે છે, પણ બન્દી બનાવી દેતી નથી, એથી જ એનામાં નવા નવા ઉન્મેષો પ્રકટાવવાની શક્તિ હોવી જોઈએ. માની લો કે પૂણિર્માની રાત્રિનું સૌન્દર્ય જોઈને કોઈ કવિ વર્ણન કરતાં કહે છે કે સુરલોકમાં નીલકાન્તમણિમય પ્રાંગણમાં સુરાંગનાઓ નન્દનવનની નવમલ્લિકાઓથી પુષ્પશય્યા જાણે રચી રહી છે. આ વર્ણન જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણે જાણતા હોઈએ છીએ કે પૂણિર્માની રાત્રિ વિશેની આ કાંઈ અન્તિમ વાત નથી, એ તો અસંખ્ય વ્યક્ત અને અવ્યક્ત વાતો પૈકીની એક વાત માત્ર છે- આ ઉપમાગ્રહણથી અન્ય અગણ્ય ઉપમાઓનો રસ્તો બંધ કરી દેવાતો નથી, ઊલટું એને પ્રશસ્ત કરવામાં આવે છે. પણ જો આલંકારિકો જબરદસ્તીથી એવો નિયમ કરી દે કે પૂણિર્માની રાતને માટે સમસ્ત માનવસાહિત્યમાં એકમાત્ર ઉપમા સિવાય બીજી કોઈ પણ ઉપમા હોઈ શકે જ નહીં — જો કોઈ એમ કહે કે રાતે દેવે સપનામાં આવીને કહ્યું છે કે પૂણિર્માનું એ રૂપ જ સાચું રૂપ છે, એ રૂપનું જ માત્ર ધ્યાન ધરવાનું છે, એને જ પ્રકટ કરવાનું છે, કાવ્યમાં પુરાણમાં એ જ રૂપની આલોચના કરવાની છે તો તો સાહિત્યનું દ્વાર જ બંધ થઈ જાય! તો તો આપણે સ્વીકારી લેવું પડે કે આ પ્રકારની ચરમ ઉપમાનું દૌરાત્મ્ય બિલકુલ અસહ્ય જ નીવડે, કારણ કે એ મિથ્યા છે. જ્યાં સુધી એ ચરમ ઉપમા નહોતી ત્યાં સુધી સાચી હતી. વસ્તુત: આ જ વાત સાચી કે પૂણિર્મા વિશે હંમેશાં નવે નવે રૂપે મનુષ્યનો આનન્દ પોતાને પ્રકટ કર્યા કરે છે. કોઈ એક વિશેષ રૂપ જ જો સાચું હોય તો એ આનન્દ મિથ્યા થઈ જાય. આ સૃષ્ટિમાં પણ સૃષ્ટિકર્તાનો આનન્દ કોઈ એક રૂપમાં પોતાને સદાકાળ પૂરી દઈને સમાપ્ત થઈ જતો નથી, અનાદિ કાળથી એનો નવે નવે રૂપે વિકાસ થતો આવ્યો છે. તેવી જ રીતે સાહિત્યની સૃષ્ટિમાં પણ મનુષ્યનો આનન્દ કોઈ એકમાત્ર ઉપમામાં પોતાને સદાકાળ બન્દી બનાવીને પૂરી દે નહીં, એ નવી નવી રીતે વ્યકત થઈ લીલા કર્યા કરે, કારણ કે રૂપ કદીય એમ ન કહી શકે કે હું તો અહીં જ થંભી જઈશ, બસ, અહીં વાતનો અન્ત આવ્યો. જો એ આગળ ચાલી ન શકે તો એને વિકૃત થઈને મરવું પડે. વાટ જેમ રાખ થતાં થતાં શિખાને પ્રકટ કરે તેમ રૂપ પોતાનો લોપ કરતાં કરતાં જ એક શક્તિને, આનન્દને પ્રકટ કરી શકે. વાટ જો પોતાને જ અક્ષય રાખવા ચાહે તો તો શિખાને જ ઢાંકી દે, રૂપ જો પોતાને જ ધ્રુવ કરવા ચાહે તો સત્યનો અસ્વીકાર કરવા સિવાય બીજો ઉપાય રહે નહિ. આથી જ રૂપની અનિત્યતામાં જ રૂપની સાર્થકતા રહી છે, એમાં જ એનું ગૌરવ છે. રૂપ નિત્ય થવાની ચેષ્ટા કરે કે તરત ભયંકર ઉત્પાત થઈ ઊઠે છે. સુરનું અમૃત અસુરો પી જાય તો સ્વર્ગલોકને માથે આફત ઊતરે ત્યારે વિધાતાને હાથે એનું અપઘાત મૃત્યુ થાય. પૃથ્વીમાં ધર્મમાં કર્મમાં સમાજમાં સાહિત્યમાં શિલ્પમાં: સર્વ વિષયમાં આપણને આનો પુરાવો મળી રહે છે. મનુષ્યના ઇતિહાસમાં ભીષણ વિપ્લવો થયા છે તેના મૂળમાં રૂપની આ અસાધુ ચેષ્ટા જ રહી છે. રૂપ જ્યારે એકચક્રી થઈ ઊઠવા ચાહે ત્યારે જ એને રૂપાન્તરિત કરીને મનુષ્ય એના અત્યાચારમાંથી મનુષ્યત્વને ઉગારી લેવાને મરણિયો બનીને ઝઝૂમવાને કમર કસે છે. આજે આપણા શિક્ષિત લોકો જ્યારે પ્રતિમાપૂજાનું સમર્થન કરે છે ત્યારે કહે છે કે પ્રતિમા એ બીજું કશું નથી, માત્ર ભાવને આપેલું રૂપ છે. એટલે કે મનુષ્યમાં રહેલી જે વૃત્તિ શિલ્પસાહિત્યનું સર્જન કરે છે તે જ વૃત્તિનો એ વ્યાપાર છે. પણ સહેજ વિચારી જોતાં લાગશે કે એમની વાત સાચી નથી. ઉપાસક દેવમૂર્તિને કદી સાહિત્યને રૂપે જોતો નથી. કારણ કે સાહિત્યમાં આપણે કલ્પનાને મુક્ત કરવાને માટે જ રૂપનું સર્જન કરીએ છીએ, દેવમૂર્તિમાં આપણે કલ્પનાને બાંધી દેવાને જ મથીએ છીએ. કલ્પનાને આપણે કલ્પના ત્યારે જ કહીએ જ્યારે એનો પ્રવાહ ચાલુ હોય, જ્યારે એ એકમાંથી બીજી દિશા તરફ વહેતી હોય, જ્યારે એની સીમા કઠિન નહીં હોય; ત્યારે જ કલ્પના પોતાનું સાચું કાર્ય કરતી હોય છે. સત્યના અનન્ત રૂપનો નિર્દેશ કરવો એ સિવાય એનું સાચું કાર્ય બીજું શું હોઈ શકે? કલ્પના જ્યારે થંભી જઈને માત્ર એક જ રૂપમાં એકાન્તભાવે દેહ ધારણ કરે ત્યારે એ પોતાના રૂપને જ દેખાડે છે, રૂપથી અતીત રહેલા અનન્ત સત્યને એ દેખાડતી નથી. આથી જ વિશ્વજગતના વૈચિત્ર્યપૂર્ણ અને નિત્યપ્રવાહિત રૂપની ચિરપરિવર્તનશીલ અન્તહીન અભિવ્યક્તિ દ્વારા જ આપણે અનન્તના આનન્દને મૂર્તિમાન થઈ ઊઠતો જોઈએ છીએ. જગતનું રૂપ કેદખાનાની દીવાલની જેમ અટલ અચલ બનીને આપણને ઘેરી વળે તો કદીય એમાં આપણે અનન્તના આનન્દને જાણવાનો અવકાશ સરખો પામ્યા ન હોત. પણ જ્યારે આપણે વિશેષ દેવમૂર્તિની પૂજા કરીએ છીએ ત્યારે એ રૂપ પર આપણે ચરમ સત્યતાનું આરોપણ કરીએ છીએ. રૂપના સ્વાભાવિક પરિવર્તન ધર્મનો લોપ કરી નાંખીએ છીએ, રૂપને આ રીતે જોવાથી જ એને મિથ્યા કરી નાંખીએ છીએ, એ મિથ્યાથી કદીય સત્યની પૂજા થઈ શકે નહીં. ત્યારે કેમ કોઈ કોઈક વિદેશી ભાવુકને મુખે આપણે મૂર્તિપૂજા વિશે ભાવભરી વાત સાંભળીએ છીએ? એનું કારણ એ જ કે એઓ ભાવુક છે, પૂજક નથી. એઓ જ્યાં સુધી ભાવુકની દૃષ્ટિએ કોઈ મૂર્તિને જોતાં હોય છે ત્યાં સુધી એને ચરમ બનાવીને જોતા નથી. ઈસાઈ પણ પોતાના કાવ્યમાં સરસ્વતીની વન્દના કરી શકે, કારણ કે સરસ્વતી એને મન ભાવની અભિવ્યક્તિમાત્ર છે. જેવી ગ્રીસની એથેનાની મૂર્તિ તેવી જ એને મન સરસ્વતીની મૂર્તિ. પણ જેઓ સરસ્વતીના પૂજક છે તેઓ આ વિશેષ મૂર્તિનું જ વિશેષ ભાવે અવલમ્બન લેતા હોય છે. જ્ઞાનસ્વરૂપ અનન્તના આ એક માત્ર રૂપને જ એઓ ચરમ બનાવીને જુએ છે, એમની શ્રદ્ધા અને એમની ભક્તિને આ વિશેષ બન્ધનમાંથી એઓ મુક્ત કરી શકતા નથી. આ બન્ધન મનુષ્યને એવો તો બન્દી બનાવી દે છે કે ન પૂછો વાત! સાંભળ્યું છે કે શક્તિ-ઉપાસક કોઈક વિખ્યાત ભક્ત મહાત્મા અલિપુરની પશુશાળામાં સિંહને વિશેષ ભાવે જોવાને અતિશય વ્યાકુળ થઈ ઊઠ્યા હતા, કેમ કે ‘સિંહ માતાનું વાહન.’ શક્તિને સિંહરૂપે કલ્પવામાં કશો દોષ નથી, પણ સિંહને જ શક્તિરૂપે જોઈએ તો કલ્પનાનું મહત્ત્વ જ ચાલ્યું જાય. કારણ કે જે કલ્પના સિંહને શક્તિના પ્રતિરૂપ તરીકે બતાવે છે તે કલ્પના સિંહમાં જ સમાપ્ત થઈ જતી નથી. માટે જ એના રૂપ-ઉદ્ભાવનને સાચું ગણીને આપણે સ્વીકારીએ છીએ. જો એ કોઈ એક જગ્યાએ આવીને બદ્ધ થઈ જાય તો એ મિથ્યા, તો એ મનુષ્યની શત્રુ. જે સ્વભાવથી જ પ્રવહમાન છે તેને કોઈ એક જગ્યાએ રૂંધી દેતાં એ મિથ્યા થઈ ઊઠે છે તેનાં સમાજમાંથી અનેક દૃષ્ટાન્ત મળી આવશે. આચાર અનેક સ્થળે આવાં બન્ધનનો આકાર ધારણ કરતો દેખાય છે. એનો સમય પૂરો થઈ ગયા પછી પણ કેવળ ટેવની આસક્તિને વશ થઈને આપણે એને છોડી દેવા રાજી હોતા નથી. જેનો મુખ્ય ઉદ્દેશ ચાલવાનો અને ચલાવવાનો છે, તેને જ આપણે કેટલીક વાર ખૂંટાની જેમ વાપરીએ છીએ, ને છતાં જાણે એનો ઉદ્દેશ સિદ્ધ થતો હોય એવું માનીએ છીએ. એક ઉદાહરણ આપું. જગતમાં વૈષમ્ય રહ્યું છે. વસ્તુત: વૈષમ્ય સૃષ્ટિનું મૂળ તત્ત્વ છે. પણ એ વૈષમ્ય ધ્રુવ નથી. પૃથ્વીમાં ધનમાન વિદ્યાક્ષમતા એક જગ્યાએ સ્થિર નથી, તે આવતિર્ત થયા કરે છે. આજે જે નાનો હોય તે કાલે મોટો થઈ જાય છે, આજે જે ધનિક તે કાલે દરિદ્ર થઈ જાય છે. વૈષમ્યની આ ચંચલતાને કારણે જ માનવસમાજનું સ્વાસ્થ્ય ટકી રહ્યું છે. કારણ કે વૈષમ્ય ન હોત તો ગતિ સમ્ભવી જ ન હોત. ઊંચીનીચી સપાટી નહિ હોય તો નદી વહે નહીં, ગરમીની ઓછીવત્તી માત્રા નહીં હોય તો હવા વહે નહીં, જે ચાલે નહીં અને જે સચલપદાર્થની સાથે યોગ રાખે નહીં તે દૂષિત બની જાય. આથી માનવસમાજમાં ઊંચ અને નીચ તો છે જ, રહેશે જ ને રહે તે જ સારું તે સ્વીકારવું જ રહ્યું. પણ આ વૈષમ્યની ચંચલતાને જો બાંધી દઈએ, જો એક શ્રેણીના લોકને પેઢીદરપેઢી માથે ચડાવીને રાખીએ અને એક શ્રેણીના લોકને પગને તળિયે રાખીએ, આવો પાકો નિયમ બાંધી દઈએ તો વૈષમ્યનો પ્રકૃતિગત ઉદ્દેશ જ સાવ નિરર્થક બની જાય. જે વૈષમ્ય ચક્રની જેમ આવતિર્ત થતું નથી, તે વૈષમ્ય નિષ્ઠુર બનીને મનુષ્યને ચાંપી દે છે, તે મનુષ્યને આગળ વધવા દેતું નથી. જગતમાં વૈષમ્ય ત્યાં સુધી સારું જ્યાં સુધી એ ગતિશીલ રહે, જ્યાં સુધી એ મુક્ત રહે, જગતમાં લક્ષ્મી જ્યાં સુધી ચંચલા ત્યાં સુધી જ કલ્યાણદાયિની. લક્ષ્મીને એક જગ્યાએ સદાકાળ બાંધી રાખવા જઈએ તો એ અલક્ષ્મી થઈ ઊઠે. કારણ કે ચંચળતાથી જ લક્ષ્મી વૈષમ્યમાં સામ્ય આણે છે. દુ:ખી સદાકાળ દુ:ખી નથી, સુખી સદાકાળ સુખી નથી, અહીં જ સુખી અને દુ:ખી વચ્ચે સામ્ય રહેલું છે, સુખદુ:ખની આ પરિવર્તનશીલતા છે તેથી જ સુખદુ:ખના દ્વન્દ્વથી મનુષ્યનું મંગળ થાય છે. તેથી જ કહું છું કે સત્યને, સુન્દરને, મંગળને જે રૂપ જે સર્જન વ્યક્ત કરે તે બદ્ધરૂપ નથી, તે એકરૂપ નથી, તે પ્રવહમાન, તે બહુ. આ સત્યસુન્દર મંગળની અભિવ્યક્તિને જ્યારે આપણે વિશેષ દેશમાં અને કાળમાં અને પાત્રમાં વિશેષ આકારે અથવા આચારે બદ્ધ કરવા ચાહીએ ત્યારે જ એ સત્યસુન્દર મંગલને બાધાગ્રસ્ત કરીને માનવસમાજને દુર્ગતિ તરફ ખેંચી લઈ જઈએ છીએ. રૂપમાત્રમાં જે એક માયા રહી છે, એટલે કે જે ચંચળતા ને અનિત્યતા છે તે અનિત્યતા જ એ રૂપને સત્ય અને સૌન્દર્ય બક્ષે છે, એ અનિત્યતા જ એનો પ્રાણ છે, એ કલ્યાણમયી અનિત્યતાને શું સંસારમાં, શું કર્મસમાજમાં, શું શિલ્પસાહિત્યમાં પ્રથાના પિંજરમાં બનાવીને બાંધી દેવા જઈશું તો આપણે કેવળ બન્ધનને જ પામીશું. ગતિને સાવ ખોઈ બેસીશું. આ ગતિને જો ખોઈ બેસીએ તો સાંકળે બાંધેલું પંખી જેમ આકાશને ખોઈ બેસે છે તેમ આપણે પણ અનન્તની ઉપલબ્ધિથી વંચિત થઈ જઈએ છીએ. સત્યનો ચિરમુક્ત પથ રુદ્ધ થઈ જાય છે ને ચારે બાજુથી અનેક અદ્ભુત આકાર ધારણ કરીને અસંખ્ય પ્રમાદ માયાવી નિશાચરની જેમ આપણા પર ત્રાટકી પડે છે. સ્તબ્ધ થઈને જડવત્ પડી રહીને એ આપણને પછી સહી લેવાનું રહે છે. (સંચય)