રવીન્દ્રપર્વ/૩૭. હવે તમે મારે માથે
૩૭. હવે તમે મારે માથે
હવે તમે મારે હાથે આપો પાછી વીણા
ચાલ્યાં ગયાં ગીત મારાં આવશે સૌ પાછાં.
સહસા કઠોર શીતે માનસસલિલે
પદ્મવન મરી જાય, હંસ ટોળે ટોળે
હાર બાંધી ઊડી જાય સુદૂર દક્ષિણે,
જનહીન કાશફુલ્લ પુલિને;
ને વળી વસન્તે સહુ પાછાં ફરે જેમ
સાથે લઈ આનન્દની કલમુખરતા —
તેમ જ આ મારાં સર્વ ઊડી ગયાં ગાન
આવશે આ વેળા પાછાં, મૂક મમ પ્રાણ
ભરી મત્તતાએ, એ સૌ સુણાવશે હવે
સમુદ્રતીરની તાન, અજ્ઞાત રાજાનાં
અગમ્ય રાજ્યની વળી અદ્ભુત સૌ કથા
સીમાશૂન્ય નિર્જનની અપૂર્વ સૌ ગાથા.
(નૈવેદ્ય)
વાણી : આષાઢ-શ્રાવણ, ૨૦૦૪