રવીન્દ્રપર્વ/૪. પ્રાણનો રસ

૪. પ્રાણનો રસ

મને સાંભળવા દો,
 હું કાન માંડીને બેઠો છું.

 દિવસ નમતો જાય છે,
 પંખીઓ ગાઈ લે છે દિવસાન્તે
 કણ્ઠનો સંચય લુંટાવી દેવાનું ગીત.
 એઓ મારા દેહમનને ખેંચી લઈ જાય છે
 અનેક સૂરના, અનેક રંગના.
 અનેક ક્રીડાભર્યા પ્રાણના પ્રાસાદે.
 એમના ઇતિહાસમાં બીજી કશી સંજ્ઞા નથી.
 છે કેવળ આટલી વાત, —
 છીએ, અમે છીએ, જીવીએ છીએ,
 જીવી રહૃાાં છીએ આ આશ્ચર્યભર્યા મુહૂર્તે. —
 એ વાત સ્પર્શી ગઈ મારા મર્મને.

 નમતા પહોરે કન્યાઓ ઘટમાં જળ ભરીને લઈ જાય,
 તેવી જ રીતે ભરી લઉં છું પ્રાણનો આ કલધ્વનિ
 આકાશેથી
 મનને ડુબાવી દઈને.
 મને થોડો સમય આપો.
 હું મન પાથરીને બેઠો છું.

 ઓટ આવવાની વેળાએ
ઘાસ પર વિખરાયઢ્ઢલા નમતા પહોરના પ્રકાશમાં
 વૃક્ષોનો નિસ્તબ્ધ આનન્દ,
 મજ્જાઓમાં ન સમાતો આનન્દ,
 પાંદડે પાંદડે વિખરાયેલો આનન્દ.

મારા પ્રાણ પોતાને પવન સાથે ભેળવી દઈ
 પામે છે વિશ્વપ્રાણનો સ્પર્શરસ
 ચેતનામાં તરબોળ કરીને.
 આ વેળાએ મને બેસી રહેવા દો.
 હું આંખ માંડીને બેઠો છું.

 તમે આવો છો તર્ક લઈને
આજે દિવસને છેડે આ તડકો નમવાની વેળાએ
 સહેજ સમય પામ્યો છું;
 આ વેળાએ કશું સારું નથી, ખોટું નથી;
 નથી નિન્દા, નથી ખ્યાતિ.
 દ્વન્દ્વ નથી, દ્વિધા નથી,
 છે વનની હરિયાળી,
 જળનો ચળકાટ,
જીવનસ્રોતની સપાટી ઉપર
 એક અલ્પ કમ્પન, એક કલ્લોલ,
 એક તરંગ.

મારી આ આટલી માત્ર વેળા
 ઊડી જાય છે
ક્ષણજીવી પતંગિયાંની જેમ
સૂર્યાસ્ત વેળાના આકાશે
 રંગીન પાંખોની છેલ્લી રમત ચૂકવી દેવા —
 વૃથા કશું પૂછશો નહીં.

વૃથા લાવ્યા છો તમે તમારા અધિકારનો દાવો.
 હું તો બેઠો છું વર્તમાનની પીઠ કરીને
 અતીતની તરફ નમી પડેલા ઢાળવાળા તટ પર.
 અનેક વેદનામાં દોડતા ભટકતા પ્રાણ
 એક દિવસ લીલા કરી ગયા,
 આ વનવીથિની શાખાઓથી રચાયેલી
 પ્રકાશછાયામાં.
આશ્વિનની બપોર વેળાએ
 આ લહેરાતા ઘાસની ઉપર,
 મેદાનની પાર, કાશના વનમાં,
 પવનની લહરે લહરે ઉચ્ચારાતી સ્વગતોક્તિ
 ભરી દે છે મારી જીવનવીણાની ન્યૂનતાને.

જે સમસ્યાજાળ
 સંસારની ચારે દિશાએ ગાંઠે ગાંઠે વીંટળાઈ વળી છે,
 તેની સર્વ ગૂંચ ઊકલી ગઈ છે.

ચાલ્યા જવાના પથનો યાત્રી પાછળ મૂકી જતો નથી
 કશો ઉદ્યોગ, કશો ઉદ્વેગ, કશી આકાંક્ષા;
 કેવળ વૃક્ષનાં પાંદડાંઓનાં કમ્પનમાં
 આટલી વાણી રહી ગઈ છે —
 તેઓ પણ જીવતાં હતાં,
 તેઓ નથી એનાથીય વિશેષ સાચી આ વાત.

 કેવળ આજે અનુભવાય છે
તેમનાં વસ્ત્રના રંગનો આભાસ,
પાસે થઈને ચાલ્યા જવાનો વાયુસ્પર્શ,
મીટ માંડેલી આંખોની વાણી,
 પ્રેમનો છન્દ —
પ્રાણગંગાની પૂર્વમુખી ધારામાં
 પશ્ચિમ પ્રાણની જમુનાનો સ્રોત.


(શ્યામલી)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪