રવીન્દ્રપર્વ/૬૯. પત્રપુટ : ૪

પત્રપુટ : ૪

એક દિન આષાઢે નમી આવી
વેણુવનની મર્મરઝરતી ડાળે
જલભારે અભિભૂત નીલમેઘની નિબિડ છાયા.

શરૂ થઈ ધાનનાં ખેતરોમાં જીવની રચના
ખેતરે ખેતરે કૂણાં ધાનનાં ચિક્કણ અંકુરે.

એવી તો પ્રચુર, એવી તો પરિપૂર્ણ, એવી તો પ્રોત્ફુલ્લ,
દ્યુલોકે ભૂલોકે પવને પ્રકાશે
એનો પરિચય એવો તો ઉદાર-પ્રસારિત —
મનાય નહીં કે સમયની નાની વાડમાં એને કદિય આવરી લઈ શકાય;

એની અપરિમેય શ્યામલતાએ
રહ્યો છે જાણે અસીમનો ચિરઉત્સાહ,
જેવો ઉત્સાહ રહ્યો હોય છે તરંગ-ઉલ્લોલ સમુદ્રે.

માસ વીતે.

શ્રાવણનો સ્નેહ નમે આઘાતના છળે,
કૂણી મંજરી આગળ વધતી જાય દિને દિને
કણસલાને ખભે ઝુલાવતી
અન્તહીન દર્પભરી જયયાત્રાએ.
એના આત્માભિમાની યૌવનની પ્રગલ્ભતા પર
સૂર્યનું તેજ વિસ્તારે હાસ્યોજ્જ્વલ કૌતુક,
મધરાતના તારા એમાં પૂરે નિસ્તબ્ધ વિસ્મય.

માસ વીતે.
પવનમાં થંભી ગયું મત્તતાનું આન્દોલન,
શરદ્ના શાન્તનિર્મલ આકાશમાંથી
અમન્દ્ર શંખધ્વનિએ વાણી આવી —
તૈયાર થાઓ.
પૂરું થયું શિશિરજળે સ્નાનવ્રત.

માસ વીતે.

નિર્મમ શિશિરની હવા આવી પહોંચી હિમાચલથી,
હરિયાળીને અંગે અંગે આંકી દીધો હળદરવર્ણો ઇશારો,
પૃથ્વીએ દીધેલો રંગ બદલાયો પ્રકાશે દીધેલા રંગ સાથે.
ઊડી આવી હંસોની હાર નદી વચ્ચેના દ્વીપ પર,
કાશના ગુચ્છ ઝરી પડ્યા તટને પથે પથે.

માસ વીતે.

નમતા પહોરના તડકાને જેમ લુંટાવી દે દિનાન્ત
શેષ-ગોધૂલિની ધૂસરતાએ
તેમ સોનાવરણું ધાન જતું રહ્યું
અન્ધકારના અવરોધે.

ત્યાર પછી શૂન્ય ખેતરોમાં અતીતનાં ચિહ્ન
થોડા દિવસ રહ્યા મૃત જડને બાઝી રહીને —
અંતે કાળા પડીને રાખ થઈ ગયા અગ્નિના લેહને.

માસ વીતે.

ત્યાર પછી ખેતરને રસ્તે થઈને
ગાયો દોરીને જાય ગોવાળ,
કશી વ્યથા નહીં એમાં, કશી ક્ષતિ નહીં કોઈનેય.
સીમને છેવાડે પોતાની છાયામાં મગ્ન એકલો પીપળો,
સૂર્યમન્ત્રનો જપ કરનાર ઋષિ જેવો,
એની તળિયે બપોરવેળાએ છોકરાઓ બજાવે બંસી
આદિકાળના ગ્રામસૂરે.

એ સૂરે તામ્રવર્ણ તપ્ત આકાશે
પવન હૂ હૂ કરી ઊઠે,
એ જાણે વિદાયની નિત્ય ઓટમાં વહી જતો
મહાકાળનો દીર્ઘ નિ:શ્વાસ,
જે કાળ, જે પથિક, પાછળની પાન્થશાળા ભણી
પાછા ફરવાનો મારગ પામે નહીં
એક દિવસ પૂરતોય.
ક્ષિતિજ : સપ્ટેમ્બર ૧૯૬૧