રવીન્દ્રપર્વ/૮૧. ઓગો, તોમરા સબાઈ ભાલો
૮૧. ઓગો, તોમરા સબાઈ ભાલો
અરે, તમે બધા જ સારા છો, જેના ભાગ્યમાં જે મળ્યું તે અમારા માટે સારું છે. અમારા આ અંધારા ઘરમાં સાંજનો દીવો પ્રકટાવો. કોઈ ખૂબ ઉજ્જ્વળ, કોઈ મ્લાન છલછલ, કોઈ કશુંક બાળે, તો કોઈકનો પ્રકાશ સ્નિગ્ધ. નૂતન પ્રેમમાં નવવધૂ એનું માથાથી તે પગ સુધીનું બધું માત્ર મધુ, પુરાતનમાં બધું ખટમધુરું, સહેજ તીવ્ર, વાણી જ્યારે વિદાય કરે ત્યારે આંખ આવીને પગને પકડી લે. રાગની સાથે અનુરાગને સરખે ભાગે ઢાળો. અમે તૃષ્ણા, તમે અમૃત — તમે તૃપ્તિ, અમે ક્ષુધા — તમારી વાત કહેવા જતાં કવિની વાક્ચાતુરી ખૂટી ગઈ. જે મૂર્તિ નયનમાં જાગે છે તે બધી જ મને ગમે છે. કોઈ ખાસ્સી ગૌરવર્ણ હોય છે તો કોઈ ખાસ્સી કાળી. (ગીત-પંચશતી)