રાજા-રાણી/આઠમો પ્રવેશ

આઠમો પ્રવેશ

પહેલો અંક



         સ્થળ : ત્રિવેદીની ઝૂંપડી.

મંત્રી : તમે સમજ્યા ને, ગોર? આ કામ તમારા વિના બીજા કોઈને સોંપાય તેમ નથી.
ત્રિવેદી : સમજી ગયો. હે...એ હરિ! પરંતુ મંત્રીજી, કામને વખતે મને બોલાવો છો; અને પુરોહિતપદ દેવાની વખતે તો દેવદત્તની શોધ થાય છે હો!
મંત્રી : તમે તો જાણો છો, ગોર, કે દેવદત્ત રહ્યો વેદનો જાણનારો. બીજું કામ એનાથી થાય નહીં! એ તો માત્ર મંત્ર ભણી જાણે, ને ઘંટ વગાડી જાણે.
ત્રિવેદી : એમ કેમ? મને શું વેદ ઉપર કંઈ ઓછી પ્રીતિ છે? હું તો વેદની પૂજા કરું છું; એટલે પછી વેદનો પાઠ કરવાની નવરાશ ક્યાંથી મળે? અને વળી ચંદન-સિંદૂરના ચાંદલાને લીધે પુસ્તકનો એકેય અક્ષર સૂઝે ક્યાંથી? ઠીક, હું તો આજે જ જઈશ, બીજું શું થાય! હે...એ મધુસૂદન!
મંત્રી : જઈને શું કરશો?
ત્રિવેદી : હું તો એમ કહીશ, કે કાળભૈરવની પૂજા થાય છે. એમાં રાજાજીએ તમને બોલાવ્યા છે. હું તો નાના પ્રકારના અનેક અલંકારોમાં જ બોલવાનો. અત્યારે એ બધી વાતો યાદ નથી આવતી. રસ્તે ચાલતાં ચાલતાં યાદ કરી લઈશ. હે...એ મુરારિ! સાચો એક તું છો!
મંત્રી : જતાં પહેલાં એકવાર મળી જજો.

[જાય છે.]

ત્રિવેદી : હું બેવકૂફ! હું નાનો ગીગલો! હું ભોળો! હું તો જાણે તમારી વેઠ કરનારો બળદિયો! કેમ? જાણે કે કાંધે કોથળા ઉપાડીને, નાકમાં નથ પહેરીને, તમારી કાંઈ વાતો સમજ્યા વગર, બસ, પૂછડાંના ઉમેળા ખાતો ખાતો હું ચાલ્યો જાઉં અને સાંજ પડ્યે તમે મને બે સૂકા પૂળા નીરો તે ખાધા કરું! હે...એ હરિ! જેવી તારી મરજી! જોઉં છું હવે, કે કોણ કેટલું સમજે છે! અલી એ! હજુ યે પૂજાની સામગ્રી ન લાવી કે? વખત જાય છે! નારાયણ! નારાયણ!