રાજા-રાણી/ચોથો પ્રવેશ
ચોથો પ્રવેશ
પહેલો અંક
અંત :પુરનો ઓરડો
સુમિત્રા : | કેમ હજુયે ન આવ્યો એ પુરોહિત? આ આક્રંદનો અવાજ તો બહુ વધવા લાગ્યો! |
[દેવદત્ત આવે છે.]
દેવદત્ત : | જય થાઓ મહારાણીનો! |
સુમિત્રા : | મહારાજ, આ કોલાહલ શાનો છે? |
દેવદત્ત : | અરે રાણી મા! તમે વળી ક્યાંથી એ સાંભળી ગયાં? તમારે તે એ બધું સાંભળવાનું હોય? તમે તમારે કાનમાં પૂંમડાં નાખીને લહેર કરોને! અરેરે! આ ચિચિયારીઓ ઠેઠ અંત :પુરમાં પહોંચી ગઈ! રે પ્રભુ, ત્યાં પણ શાંતિ નહીં કે? માજી, હુકમ કરો તો હમણાં જ લશ્કર લઈને જાઉં, ને તાબડતોબ એ તમામ નવસ્ત્રાં, નિર્જળાં દુકાળિયાંને શેરીએ શેરીમાંથી હાંકી કાઢું. |
સુમિત્રા : | પણ કહો તો, થયું છે શું? |
દેવદત્ત : | અરે, કાંઈયે નથી, કાંઈ! એ તો ફક્ત ભૂખમરો; સાળાં ગરીબ માણસોનો ભૂંડો ભૂખમરો છે. બસ, ફક્ત ભૂખના માર્યાં એ બધાં રેઢિયાળ જંગલી પ્રજાજનો કઠોર અવાજે કિકિયારી કરી રહ્યાં છે! જંગલી ખરાંને! એની ચીસોથી આપણા બગીચાની બિચારી કોયલો ને બપૈયાઓ પણ થડકીને ચુપ થઈ ગયા; એવા જંગલી લોકો! |
સુમિત્રા : | અરેરે! કોણ એને ભૂખે મારે છે? |
દેવદત્ત : | બીજું તે વળી કોણ? એ અભાગિયાનું કિસ્મત! સાળી ગરીબ રૈયતને આજ આટલા દિવસ સુધી અરધું જ અન્ન મળે છે, તોયે ભૂખ્યાં રહેવાની આદત જ ન પડી! કેવી નવાઈની વાત! |
સુમિત્રા : | હેં હેં મહારાજ, આ શું બોલો છો? વસુંધરામાં અન્ન ભરપૂર પડ્યું છે તોયે પ્રજા ભૂખમરો ભોગવે છે? |
દેવદત્ત : | એ અનાજ શું એના બાપનું છે! એ તો જેની વસુંધરા તેનું અન્ન. વસુંધરા કાંઈ ગરીબ લોકોના બાપની નથી. એ બધા તો યજ્ઞમંડપનાં કુરકુરિયાંની માફક લસલસતી જીભ લબડાવતાં લબડાવતાં એક પડખે પડ્યાં રહે; નસીબમાં હોય તો કોઈક દિવસ વળી હવનના ચોખા પામે, કદીક વળી એઠું ચાટવાનું મળે. એ તો યજ્ઞવાળા કરુણા કરે તો બચે; નહીં તો રોતાં રોતાં રસ્તે રઝળીને મરી ખૂટે. |
સુમિત્રા : | ત્યારે શું રાજા નિર્દય થયો છે? દેશમાં શું રાજા નથી? |
દેવદત્ત : | કોણ કહે છે રાજા નથી? એક હજાર રાજા છે. |
સુમિત્રા : | તો કદાચ રાજ-કાર્યોમાં પ્રધાનોની નજર નહીં હોય એમ લાગે છે. |
દેવદત્ત : | નજર ન હોય? એ શું બોલ્યાં, માજી! નજર તો અજબ છે! ઘરધણી ઘોરતો હોય એટલે શું ઘરમાં ચોરની નજર ન હોય? જેવી શનિશ્ચરની નજર, એવી જ એની નજર! અને એમાં એ બાપડાઓનો શો વાંક? પરદેશમાંથી બિચારા ઠાલે હાથે આંહીં — આટલે આઘે આવ્યા છે, એ શું બે હાથ ઊંચા કરીને ગરીબ પ્રજાને આશીર્વાદ દેવાના શોખથી? |
સુમિત્રા : | પરદેશથી? કોણ એ? મારાં પિયરિયાં જ ન હોય! |
દેવદત્ત : | હા, માજી, રાણીમાનાં જ એ પિયરિયાં, અને રૈયતના કંસમામા! |
સુમિત્રા : | કોણ, જયસેન? એ શું કરે છે? |
દેવદત્ત : | બિચારા જયસેન મામા તો ઉત્તમ રાજકારભાર ચલાવવામાં તલ્લીન બની ગયા છે. સિંહગઢ તાલુકામાં એમણે એવો વહીવટ ચલાવ્યો છે કે પ્રજાને અન્ન-વસ્ત્રની બધી આફત જ મટી ગઈ, બાકી ફક્ત હાડ-ચામ બે જ રહ્યાં છે. |
સુમિત્રા : | અને શિલાદિત્ય? |
દેવદત્ત : | એમની નજર વેપાર ખીલવવામાં જ રોકાઈ ગઈ છે. વાણિયાઓને માથે નાણાંનો બહુ ભાર હતો. એ બધો એમણે ઓછો કરીને પોતાને શિરે ઉઠાવી લીધો છે. |
સુમિત્રા : | અને યુધોજિત? |
દેવદત્ત : | એમની ભલાઈની શી વાત કરવી? વાણીમાં કેવી મીઠાશ ઝરે! હમણાં એ વિજયકોટ તાલુકો સંભાળે છે. મોંમાં બસ ‘બાપુ! બેટા!’ વિના બીજો શબ્દ નહીં. માત્ર નજર ત્રાંસી કરીને ચોમેર નિહાળી લે, અને ધરતી માતાના બરડા ઉપર ધીરે ધીરે હાથ ફેરવતા ફેરવતા જે કાંઈ હાથમાં આવે તે ખૂબ જતનપૂર્વક ઉપાડી લે. યુધોજિત મામાની શી વાત? |
સુમિત્રા : | કેવી શરમની વાત! કેવા પાપાચાર! અરર! મારાં સગાં! મારા બાપનું નામ કાળું કર્યું! ના, ના, એ કલંકને હું ધોઈ નાખીશ. ઘડી પણ નહીં સાંખું! |
[જાય છે.]