રાજા-રાણી/પહેલો પ્રવેશ3

પહેલો પ્રવેશ

ચોથો અંક


         સ્થળ : જાલંધર-રણક્ષેત્રમાં શિબિર. વિક્રમદેવ અને સેનાપતિ.

સેનાપતિ : શિલાદિત્ય અને ઉદયભાસ્કર પકડાયા છે, ફક્ત યુધોજિત પોતાનું સૈન્ય લઈ નાસી છૂટ્યો છે.
વિક્રમદેવ : તો ચાલો, તત્કાળ તેની પાછળ પડો. ઉપાડી લો તંબૂ. હવે તો મને શ્વાસભર્યે હૈયે માનવમૃગયા રમવાના કોડ જાગ્યા છે. ગામડે ગામડે, અરણ્યોમાં, પહાડોની અંદર અને નદીને તીરે દિવસરાત, બસ, જુક્તિભેર એ જ રમત રમવી છે! વિદ્રોહીના દળમાં બાકી બીજા કોણ કોણ છે?
સેનાપતિ : માત્ર જયસેન. વિદ્રોહ જગાવનારો જ એ છે. એનું સૈન્ય સહુથી વધુ છે.
વિક્રમદેવ : તો ચાલો એના ઉપર ચડીએ. હવે તો છાતીએ છાતી લગાવી અને ભુજાએ ભુજા ભેટાવી ગાઢ પ્રેમાલિંગન સમો સરસ સંગ્રામ ખેલવો છે. અસ્ત્રેઅસ્ત્રના ધીરા ઝણઝણાટ હવે નથી ગમતા. નજીવી લડાઈના નજીવા જયલાભ હવે નથી મીઠા લાગતા.
સેનાપતિ : પ્રથમ તો બાતમી હતી કે શત્રુઓ છૂપા છૂપા આવશે ને અચાનક પાછળથી તૂટી પડશે; પણ હવે તો લાગે છે કે તેઓ ભય પામ્યા હોય, ને સંધિનાં કહેણ મોકલવા તૈયાર થતા હોય.
વિક્રમદેવ : ફિટકાર છે, ભીરુ હિચકારાઓ! ના, સંધિ નહીં, યુદ્ધ માગું છું હવે તો! પરસ્પર રક્તધારાનાં મિલન, પરસ્પર અસ્ત્ર-શસ્ત્રોના સંગીત-સ્વર : એવું યુદ્ધ માગું છું; ચાલો સેનાપતિ!
સેનાપતિ : જેવી આજ્ઞા, પ્રભુ!

[જાય છે.]

વિક્રમદેવ : અહો! કેવી મુક્તિ! કેવો આ રણ-ક્રીડાનો આનંદ! આજ સુધી આ આનંદથી આઘે, કોઈ ગુફામાં, મને એક અબળાના નાજુક બાહુઓએ બાંધી રાખેલો હતો. અને મારું માતેલું હૃદય, એ નાનકડી ગુફામાં વિશાળતા શોધતું શોધતું પગલે પગલે પાતાળમાં ઊતરતું હતું. પણ આજે છૂટ્યો. કેવો છુટકારો! બેડીઓ પોતે જ બંદીવાનને છોડી ચાલી ગઈ! આટલા દિવસ આ જગતમાં કેટલા કેટલા રણસંગ્રામો, કેટલી કીર્તિ અને કેટલા આનંદો, કર્મના કેટકેટલા પ્રવાહો વહી ગયા હશે! અને હું પામર, બિડાયેલી કોઈ ચંપાકળીમાં પોઢેલ કીડા સમો, અંત :પુરમાં જ પડ્યો રહ્યો! ક્યાં હતી આ લોકલજ્જા, ને ક્યાં હતાં આ વીરપરાક્રમો? ક્યાં હતી એ વિશાળ વિશ્વતટભૂમિ! ક્યાં હતા એ હૃદય-તરંગોના ઘૂઘવાટા! આજે મને પામર, ભીરુ કોણ કહી શકશે? કોણ કહેશે કે હું રાણીવાસનો દાસ છું? આજ સુધી કેવળ ફૂલોની ગંધ વહેનારો મૃદુલ વાયુ આજે વાવાઝોડાને રૂપે જાગી ઊઠ્યો છે. ક્ષુદ્ર પ્રેમ કરતાં તો ભલી છે આ ઘોર હિંસા! હિંસા તો આ હૃદયની બંધન-મુક્તિનું સાચું સુખ છે. હિંસા એ જ જાગૃતિ. હિંસા એ જ સ્વાધીનતા!

[સેનાપતિ પ્રવેશ કરે છે.]

સેનાપતિ : શત્રુની સેના આવે છે.
વિક્રમદેવ : ચાલો ત્યારે.

[ગુપ્તચર પ્રવેશ કરે છે.]

ગુપ્તચર : રાજન્, શત્રુ-સૈન્ય નજીક આવી પહોંચ્યું છે. સાથે નથી વાદ્ય, નથી જય-પતાકા, કે નથી કંઈ યુદ્ધના પડકાર; જાણે માફી માગવા આવતા હોય!
વિક્રમદેવ : માફીની વાત સાંભળવા હું નથી માગતો. પ્રથમ તો મારે મારા દોષની જ માફી મેળવવી છે. અપકીર્તિને મારે લોહીની ધારામાં ધોઈ નાખવી છે. ચાલો સેનાપતિ, યુદ્ધે ચડો.

[બીજો ગુપ્તચર પ્રવેશ કરે છે.]

બીજો ગુપ્તચર : મહારાજ, શત્રુઓના શિબિરમાંથી શિબિકા આવી છે; લાગે છે કે સંધિનું કહેણ લઈને દૂત આવ્યો હોય.
સેનાપતિ : પ્રભુ, પલવાર થંભો. પ્રથમ સાંભળીએ, એ દૂત શું કહે છે.
વિક્રમદેવ : સારું, ત્યાર પછી યુદ્ધ!

[સૈનિક પ્રવેશ કરે છે.]

સૈનિક : મહારાજ, યુધોજિત અને જયસેનને કેદ પકડીને મહારાણીજી પધાર્યા છે.
વિક્રમદેવ : કોણ આવ્યું છે?
સૈનિક : મહારાણી.
વિક્રમદેવ : મહારાણી! કોની મહારાણી?
સૈનિક : આપણાં મહારાણી.
વિક્રમદેવ : શું દીવાનો થયો છે? જાઓ સેનાપતિ, જોઈ આવો, કોણ આવેલ છે.

[સેનાપતિ વગેરે જાય છે.]

શું બોલ્યો એ દીવાનો? યુધોજિત અને જયસેનને કેદ પકડીને મહારાણી પધાર્યાં! આ તે શું સ્વપ્ન! શું આ યુદ્ધક્ષેત્ર નથી? આ શું અંત :પુર છે? આટલા દિવસ શું હું યુદ્ધના સ્વપ્નમાં જ મગ્ન હતો? અચાનક જાગીને જોઉં ત્યાં શું એ જ ફૂલવાડી, એ જ મહારાણી, એ જ પુષ્પોનું બિછાનું, એ જ લાંબા વિલાસના દિવસો, ને નિદ્રા જાગૃતિમાં ઝકડાએલી એ જ અખંડ રાત્રી? કેદ પકડ્યા? કોને પકડ્યા? કાંઈ ઊલટું તો નથી સંભળાયું ને? મને કેદ પકડવા તો નથી આવેલ ને? ઓ દૂત! ઓ સેનાપતિ! કોણ આવેલ છે? કોને કેદ પકડવા આવેલ છે!

[સેનાપતિ પ્રવેશ કરે છે.]

સેનાપતિ : પ્રભુ, કાશ્મીરનું સૈન્ય લઈને મહારાણીજી પધાર્યાં છે. સાથે એમના સગા ભાઈ કુમારસેન પણ છે. રસ્તામાં નાસી છૂટેલા જયસેન-યુધોજિતને કેદ પકડીને તેઓ લાવેલ છે. તંબૂને દરવાજે જ આપને મળવા માટે ઉત્સુક બની ઊભાં છે.
વિક્રમદેવ : સેનાપતિ, નાસો, નાસો સૈન્ય લઈને. હવે શું એકેય શત્રુ બાકી નથી રહ્યો? કોઈ બંડખોર નથી રહ્યો? ચાલો, નાસો. મળવા માટે આવે છે? કોણ આવે છે? રમણી? રમણીને મળવાનો આ સમય નથી! નાસી છૂટો.
સેનાપતિ : મહારાજ!
વિક્રમદેવ : ચુપ કરો, સેનાપતિ : હું કહું તે જ સાંભળો; બંધ કરો દરવાજા. આ શિબિરમાં શિબિકાને દાખલ થવાની મના છે.
સેનાપતિ : જેવી આજ્ઞા, પ્રભુ!