રાજા-રાણી/બીજો પ્રવેશ4

બીજો પ્રવેશ

પાંચમો અંક


         સ્થળ : કાશ્મીરની બજાર. લોકોની મેદની.

પહેલો આદમી : કાં ભાભા, કોઠી ભરી ભરીને ઘઉં તો ખૂબ સંઘરતા હતા; અને હવે વેચવાની આટલી બધી દોડાદોડ કાં કરો?
બીજો : વેચ્યા વિના છૂટકો છે, ભાઈ? આ જાલંધરનું લશ્કર આવે, તે બધુંય લૂંટી લેશે. આ શેઠિયાઓના ઘઉંની મોટી મોટી કોઠીઓ, અને પેટની જાડી જાડી ફાંદો, ફડોફડ ફોડી નાખશે. ઘઉંની કે રોટલીની, એકેયની જગ્યા નથી રહેવાની.
શેઠ : હા, ભાઈ, હા, પેટ ભરીને મશ્કરી કરી લે. પછી તો તારેય બત્રીસે દાંત સંતાડવા પડશે. સહુને સાથે જ પોંખી નાખશે.
પહેલો : હુંય, બાપા, એ જ સુખે હસું છું, કે તમે ને અમે તમામ એકસાથે જ મરવાના. અત્યાર લગી તો, શેઠ, તમે ઘઉં સંઘરતા ને અમારા પેટમાં ભૂખની ઝાળ થાતી; હવે એ તો, નહીં થાય ને! હવે તો તમારા પેટમાંય ઝાળ થશે. તમારાં સહુનાં સૂકલ ડાચાં દેખીને હું મરું તો મને સદ્ગતિ થાય!
બીજો : અને અમારે વળી શી પીડા છે, ભાઈ? અમારે તો ‘આગળ હાથ ને પાછળ હાથ’. આમેય કાંઈ ઝાઝા દી કાઢત નહીં, અને આમેય ઝાઝા દી કાઢવા નહીં! તો પછી ગમ્મત કાં ન કરી લેવી?
પહેલો : કાં જગા શેઠ, આટલા બધા કોથળા કેમ આણ્યા? કાંઈ ખરીદવું છે?
જગો : હા જ તો. વરસ એકના ઘઉં સામટા લઈ લેશું.
બીજો : લેશો તો ખરા, પણ રાખશો ક્યાં?
જગો : આજ રાતોરાત મારા મામાને ગામ ભાગવા મંડશું.
પહેલો : પણ મામાને ગામ પૂરા પહોંચશો ત્યારે ને! માર્ગે ઘણાય મામા બેઠા છે! હેત કરીને રાત રોકી દેશે!

[કોલાહલ કરતું કરતું લોકોનું ટોળું આવે છે.]

પાંચમો : અલ્યા, કોણ લડાઈ કરવા તૈયાર છે? માટી થાવ.
પહેલો : ભાયડો તૈયાર છે, ભાયડો! બોલ, કોની સાથે લડવાનું છે?
પાંચમો : આ બુઢ્ઢો રાજા જાલંધરની સાથે કાવતરું કરીને આપણા કુમાર બાપુને સોંપી દેવાનો છે.
બીજો : એ...એ...મ! બુઢ્ઢા રાજાની દાઢીમાં દીવાસળી જ નહીં મેલી દઈએ?
બધા : હા, હા, કુમાર બાપુની રક્ષા આપણે બધા કરશું.
પાંચમો : બુઢ્ઢો રાજા કુમાર બાપુને કેદ કરવાનો હતો. એટલે અમે કુમાર બાપુને સંતાડી દીધા છે.
બીજો : હાલો ભાઈઓ, બુઢ્ઢા રાજાને ગૂંદી જ નાખીએ.
ત્રીજો : હાલો, એનું માથું જ કાપી નાખીએ.
પાંચમો : એ બધું પછી. પહેલાં તો લડવું પડશે.
પહેલો : તે એમાં શું? લડશું. આ બજારેથી જ લડવાનું શરૂ કરી દો ને! પહેલાં તો આ શેઠિયાઓના ઘઉંની ગુણો જ લૂંટી લઈએ. ત્યાર પછી ઘી છે, ચામડું છે, કાપડ છે.

[છઠ્ઠો માણસ પ્રવેશ કરે છે.]

છઠ્ઠો : અલ્યા સાંભળ્યું કે? કુમાર બાપુ સંતાઈ ગયા, એટલે જાલંધરના રાજાએ ઢોલ પીટાવ્યો છે કે કુમાર બાપુનો પત્તો દેશે એને ઇનામ મળશે.
પાંચમો : પણ તારે એ બધી વાતનું શું કામ છે?
બીજો : તારે ઈનામ લેવું છે કે શું?
પહેલો : અલ્યા ભાઈઓ, આવો, બધા મળીને આને ઈનામ દઈએ. ગમે તે એકાદ કામનો આદર કરી દઈએ. છાનામાના તો હવે નથી બેઠાં રહેવાતું. હાથ ખાજવે છે.
છઠ્ઠો : એ ભાઈઓ, તમારી ગૌ; મને મારશો નહીં, માબાપ! હું તો તમને ચેતવવા જ આવ્યો હતો.
બીજો : ગગા, તું એકલો જ ચેતી જાને!
પાંચમો : જો ક્યાંય આ વાત ફેલાવીશ ને, તો તારી જીભ ખેંચી કાઢશું.

[દૂર કોલાહલ થાય છે.]                   અલ્યા આવે છે — આવે છે.

બધા : ઓ આવે; જાલંધરનું લશ્કર આવી પહોંચ્યું.
પહેલો : બસ ત્યારે! ચાલો હવે લૂંટ કરવા. ઓ જગો શેઠ પોઠ્યું ભરીને ઊપડ્યો. ચાલો એને માર્ગે. જગાને છોડી દો અને બધા પોઠિયાને માલ સોતા મૂકો વહેતા.
બીજો : તમારે જવું હોય તો જાઓ, ભાઈ, હું તો તમાશો જોઈ આવું. ઉઘાડી તલવાર લઈને હારબંધ લશ્કર આવતું હોય, એ જોવાની ભારી લહેર આવે.