રાજેન્દ્ર પટેલની કવિતા/કરાર
૩૯. કરાર-૧
આમ તો કોઈ જ
કરાર વગરનો
ભાડુઆત છું,
– અને એટલે જ માલિક બની બેઠો છું.
પહેલાં તો
ભાષા જોડેથી નામ લીધેલું
પૃથ્વી કનેથી સરનામું!
વિશ્વાસથી કોઈએ પણ
ના કર્યો કરાર.
પવન પાસેથી શ્વાસ લીધો
વાદળ પાસેથી જળ.
ને અવકાશમાંથી જે શબ્દો લીધેલા
તે તો ભૂલી જ ગયેલો
કે એ મારા નથી!
પૂર્વજોના છે!
સૂરજ જોડેથી લીધેલું અજવાળું
ક્યાં કંઈ આપવાનું હોય એનું ભાડું?
એને તો કરોડો ભાડુઆત!
આ કરાર વગર ફાવી ગયું છે આપણને તો
કોઈને કંઈ પાછું આપવાનું જ નહીં.
એમ તો આ શરીર પણ મેં
ક્યાં સર્જ્યું છે!
લોહી, માંસ,
ધમની, શિરા
કોષેકોષને હવે ડિંગો.
માટીથી મકાન સુધી
જળથી જીવ લગી
શબ્દથી શરીર પર્યંત
કોઈને કશું પાછું આપવાનું જ નહીં!
(એ વાત પણ હવે કોઠે પડી ગઈ છે!)