રાજેન્દ્ર પટેલની કવિતા/ખુરશી

૬. ખુરશી

ખાલી રૂમ વચોવચ એક ખુરશી
હળવેથી પસવારું તો
બાળક બની વળગે
જોરથી દબાવું તો પીડે!

એક ખૂણેથી લાગે રંગહીન
બીજી તરફથી રંગીન
ચોફેરથી જુદીજુદી.

દૂરથી આરસથીએ લીસ્સી
નજીકથી ખરબચડી
ખૂબખૂબ નજીકથી જોઉં સપાટી,
તો અંદર અડાબીડ પર્વત ને ખીણ.

તે એની એ છતાં દરેક સમયે જુદી જુદી.
એ તો સ્થગિત
એના કણકણમાં અનેક તમરાંના નાદની ગતિ.

સાચી ખુરશી ખોળવા પ્હોંચું પાયા સુધી
પાયા લાગે મસમોટા મિનારા
સુકાએલી ડાળની કાયા.

એમ લાગે કે ખુરશી જે છે, તે નથી
ને જે નથી તે છે.
શોધતાં શોધતાં ખુરશીને
ક્યારેક મને લાગે ઘણી વાર ખુરશી હું જ.

ખુરશી મને વૃક્ષ બનવા લલચાવે.