રાજેન્દ્ર પટેલની કવિતા/ચોથું મોજું
૨૪. ચોથું મોજું
પહેલું મોજું આવ્યું
પગ આગળ આવી અટક્યું
દરિયો અડું અડું કરતો
પાછો વળ્યો.
બીજું મોજું આવ્યું
પાની પલાળી
બની ગયો
દૂર સરતી હોડી.
ત્રીજું મોજું આવ્યું
ગોઠણભેર ફરી વળ્યું.
છીપ બની
સરી ગયું દરિયાની ભીતર.
ચોથું મોજું આવ્યું
...
અને—
ઘર તરફ પાછો વળ્યો ત્યારે
પાછળ પાછળ
પગલે પગલે
દરિયો આવતો લાગ્યો.