રાજેન્દ્ર પટેલની કવિતા/જાગી જવાની વેળા

૩૦. જાગી જવાની વેળા...

જાગી જવા અને જાગવા,
ભીંતે લટકતી,
ટેબલ પર પડેલી,
કાંડે બાંધેલી અને
ઓશીકા પાસે પડેલા મોબાઇલની
ઘડિયાળોમાં એલાર્મ મૂક્યું.

બરોબર સમયે ઊઠી જવા માટે,
વળી બાનેય કહી રાખેલું
બાપુજીનેય સૂચવેલું
લાગતાવળગતા સૌ કોઈને કહી રાખેલું
સમયસર જગાડવા.

છતાં એક પ્રવાસીની
બસ, ટ્રેન કે વિમાન
સઘળાં રાહ જોતાં ઊભાં છે.
એલાર્મ વાગે છે, વાગ્યા જ કરે છે
ઘર, શેરી, શહેર, સીમ અને ક્ષિતિજ સોંસરવો
એ વાગ્યા જ કરે છે.

પણ, સૂતેલો
કોઈ ઉઠાડશે એની રાહમાં સૂતો જ છે.
બધાંય એલાર્મ અવિરત રણક્યા કરે છે.
તોય
કોઈ જાગતું નથી
કોઈ કોઈને જગાડતું નથી.
જાગવાની વેળા આવે છે અને ચાલી જાય છે...