રાજેન્દ્ર પટેલની કવિતા/ડુંગળી

૪. ડુંગળી

ક્યારેક રંગહીન, ક્યારેક ગુલાબી
બધું ભુલાવતી
સમયને સાચવતી અજાયબ ગડી.

સમયને રમાડે હળવે હળવે
ધૂંધળી આંખ.

પડ ઉપર પડ ખૂલે
ભૂગર્ભથી આકાશ સુધીનો
રસ્તો ખોલે.

દૂર દૂરનો નક્ષત્ર ગોળો!!
મોંહે-જો-દડો
ઊઘડે ઊઘડે ને ઊઘડતો જાય...

ઊનો ઊનો શ્વાસ
ઘડીક કસ્તૂરીની તો ઘડીક ઍમોનિયાની વાસ
ખારાં પાણીનો શુદ્ધ આવાસ.

રવરવે રંગ, સ્વાદ ને ગંધ
અકબંધ.