રાજેન્દ્ર પટેલની કવિતા/શર્ટ

૨. શર્ટ

શર્ટ
માણસને પહેરી
રાતદિવસ વટભેર ફરે
સમયને વધુ ને વધુ રંગીન કરે.
શર્ટનાં ગાજ અને બટન
ખૂલબંધ થતાં
કશુંક ઉકેલવા મથે.
તેનું પોત અને તેના રંગ
પવનથી બારીક બની
દરેક વળાંકનો આકાર બની
ગર્વથી ફુલાય
ને માણસની ધજા થઈ ફરકે.

શર્ટ દરરોજ બદલાય
ટિંગાય, ગંદું થાય, મસળાય, ધોવાય અને ઇસ્ત્રી થઈ
ગડીબંધ કબાટમાં ગોઠવાય.
અતિવિશિષ્ટ પ્રસંગની રાહમાં
ક્યારેક મૂગું મૂગું જાગે
ને મૂળ શોધે કપાસમાં;
કપાસ ધરતીને પૂછે
ધરતી આકાશને પૂછે એનું પ્રયોજન.
બે તારા વચ્ચેના અંધકારની જેમ
આકાશ મૌન રહે.
છતાં
શર્ટને શરીરનું સ્વપ્ન
જીવતું રાખે
માણસની જેમ.