રામચન્દ્ર પટેલની કવિતા/આસો

આસો

કોકનાં લઈ કાગળ કહેણ
આઘે ચાલ્યાં વાદળ વ્હેણ...
હવેલી આંખે છલકે ખીર,
નદી નાભિ નીતર્યાં નીર.

મરાલ થઈને આવ્યો ચાંદ,
આંગણ હરખે તુલસી પાંદ.
ઝાકળ છાયા મેંદી છોડ,
ટહૂકે સારસ જોડાજોડ.

કુમકુમ છાયું ઊજળું આભ,
ભરે રાતરાણી ફૂલછાબ.
મોરનો ખરે પીંછલ ભાર,
કાજળ આંજે રમણી નાર.

ભૂતળ ચાલ્યાં શંભૂનાથ,
જામે આસો શરદની સાથ.