રામચન્દ્ર પટેલની કવિતા/એક કાવ્યરચના

એક કાવ્યરચના

ઊંચે,
આકાશ,
કસુંબી ઝાંયને પી એકલું એકલું જંપે.
કંપે રડ્યાખડ્યા વાદળનો સંચાર...
ધીમો ધીમો મારો શ્વાસ
પાસ ઊંઘે માટી, છાતી ઉપર લઈને ગુલાબ.
હું એને
આંખો લંબાવીને સ્પર્શ્યા કરું છું...
તો
દોડી આવે દિશાઓ.
બેઠો થાય છે અજાણ રસ્તો.
એમાં ડૂબેલાં પગલાંના પંખી ઊડી આવીને
મારા રૂંવાટેરૂંવાટે બેસીને ટહુકે...
છલકાઈ જાય ગામભાગોળ, તળાવ,
મ્હેકી ઊઠે પદ્મવાવ.
એના કાંઠે ઊભેલી દેખાય કપૂરકન્યા.
માથે હેલ,
એનું ઝગારા મારતું તાંબું હણહણતું વાગે.
ને જાગે,
મારું પતંગિયાં ભરતવાળું ગવન.
ખીલે પહેલો પહોર,
ઉગાડી કપાળ પર કંકુ–ચોખાની ઢગલી
કોક બેઠેલી મીંઢળ હાથે.
પીઠીની ફોરમમાં એની રેશમી રેશમી ઊઠતી મીઠાશ,
કસુંબી ઝાંયને પી એકલું એકલું જંપે આકાશ.