રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પાઠકસાહેબ

પાઠકસાહેબ

તમે, સ્વજન, આજ માત્ર દસવીસ આ પુસ્તકો?
અવાજ બસ આ જ, જેહ લિપિ માંહી અંકાયલો?
અને અવર વાત સૌ બસ નિરર્થ? ના, ના, અરે
ક્યમેય મન માનતું. કર દબાવવો જોરથી
સહેજ, રણકી રહેવું સ્વરનું સુવિસ્પષ્ટ, ને
તરંગિત થતો લસી રહત આત્મ ત્યાં વાતના
અનંત જગ સ્પર્શતા જ અવરોહ–આરોહમાં.
અહો વિરલ ચિત્તસાજ અતિ સૂક્ષ્મદર્શી શુચિ!
ગિરા દ્યુતિમતી યથાતથ સુરેખ સંવેદને.
પ્રમાણપ્રિય, તોય ઊર્મિ જરી આંખ દે ભીંજવી;
ગુફાપ્રિય, છતાં વિનોદપટુ સર્વભેળા ભળ્યા;
વિચાર-રત, તોય નેત્ર મહીં જીવનોલ્લાસશો!
મનુષ્ય-અવતારમાં યદિ ક્ષણો મુદાની મળી,
નિશંક મળી તો કંઈક તમ સ્નેહ-સાન્નિધ્યમાં

ઑક્ટોબર ૩૧, ૧૯૬૦,ઉમાશંકર જોશી