રા’ ગંગાજળિયો/નિવેદન


નિવેદન
[પહેલી આવૃત્તિ]

ઐતિહાસિક નવલકથા આલેખવાની પહેલી હિંમત ગયા વર્ષે ‘સમરાંગણ’થી કરી. વાચકોએ અને સાહિત્યિકોએ એનો જે સત્કાર કર્યો, તે મારા પગને આ નવી ભૂમિ પર સ્થિર કરનાર નીવડ્યો. દોઢ દાયકા સુધી સ્મૃતિના ગોખલામાં સચવાઈ રહેલી એક લોકકથાની કણિકાએ મને ગયા વર્ષે ‘સમરાંગણ’ સર્જવાની દિશા સૂચવી. આ વખતે આઈ નાગબાઈના પૂર્વસંસારની ને વીજલ વાજાના રક્તકોઢની જે ઘટનાઓ પર મેં આખી કથાની માંડણી કરી છે, તે બેચાર ઘટનાઓ પણ લોકકથાઓની કણિકાઓરૂપે જ યાદદાસ્તના એકાદ ગોખલામાં સંઘરાઈ રહેલી. લોકસાહિત્યની ચીંથરીઓએ આવો ઉજ્જ્વળ અવસર દેખાડ્યો છે. લોકસાહિત્યનું ઋણ મારે શિરે ઘટવાને બદલે વધે છે. લોકસાહિત્યનું સંશોધન ને પરિશીલન સીધી રીતે સંજોગવશાત્ છૂટી ગયું છે. છતાં આ નવી રસાયણ-ક્રિયારૂપે એ મારી નસોમાં સજીવન છે. ચીંથરીમાં સચવાઈ રહેલી આ સોનાકણીઓએ ઐતિહાસિક કથાનું આદિધન પૂરું પાડીને ઇતિહાસ તરફ અભિમુખ કર્યો છે. સૌરાષ્ટ્રનો ઇતિહાસ જેટલો કંઈ શોધાયો છે તેની અંદર લાંબી વાર્તાને રમવાનું મેદાન મેં જોયું છે. ભલેને આ મેદાન પર બીજી કેટલીક કલમો રમી ગઈ, તેથી મેદાન કંઈ ખૂટી ગયું નથી. નવી દૃષ્ટિ લઈને ઝુકાવનારી નવીન કલમો માટે આંહીં બહોળી લીલાભૂમિ પડી છે. એકલા સોરઠી ઇતિહાસનું જ ક્ષેત્ર જો ઘૂમ્યા કરીએ તો તો ‘પરસપેક્ટિવ’ની દૃષ્ટિ પ્રમાણ હારી બેસે, નવીનતા લુપ્ત થાય. પણ મારે સુભાગ્યે પેલી તેજ-કણીઓએ મને ગુજરાતની તવારીખ તરફ પ્રકાશ દેખાડ્યો. ગુજરાત અને સૌરાષ્ટ્રની ઇતિહાસ-નદીઓનાં સંગમસ્થાનો નજરે પડ્યાં. મેદાન વિસ્તરી ગયું. સીમાડા પહોળા થયા. બેઉ તવારીખોમાં રમતાં પાત્રોનો પણ જંગી સમૂહ જોયો. બેઉના ગુણદોષો, સંકુચિત અને ઉદાર મનોદશાઓ, ખામીઓ અને ખૂબીઓ વગેરેની તુલનાત્મક દૃષ્ટિ એ બેઉ નદીઓનાં સંગમ તેમ જ સંઘર્ષણનાં બિંદુઓ નિહાળવાનો ઉઘાડ પામી. ગુજરાતના ઇતિહાસની પાર્શ્વભૂમિ પર સોરઠી ઇતિહાસની લીલા નીરખવાનો નવીન આહ્લાદ મળ્યો. જૂનાગઢના રા’ માંડળિક છેલ્લાનો ઈ. સ. ૧૪૩૩થી ૧૪૭૩નો લીલાકાળ, એ ગુજરાતી નવી સુલતાનિયતના બે-ત્રણ સુલતાનોનો સમકાલ હતો. આ નવી ગુજરાતી સુલતાનિયત જે જે ચડતીપડતીઓ અનુભવી રહી હતી, તેનો ખ્યાલ મેં ‘મિરાતે સિકંદરી’ અને ‘મિરાતે એહમદી’ જેવી પ્રમાણમાં વિશ્વસનીય મુસ્લિમ તવારીખો પરથી મેળવીને વાર્તામાં ગૂંથેલ છે. મુસ્લિમ રાજરંગોની રંગભૂમિ ઉપર માંડળિકનું વ્યક્તિત્વ મેં ઊભું કરેલ છે. એની વિભૂતિનો આખરી અફળાટ યુવાન સુલતાન મહમદ બેગડાની સમશેર સાથે થયો ત્યાર પહેલાંની પ્રારબ્ધતૈયારી તો લાંબા કાળથી ચાલતી હતી. ગુજરાતની ઇસ્લામી રાજવટનો ભાગ્યપ્રવાહ મેં એટલા માટે જ જોડાજોડ બતાવ્યો છે. ગુજરાતના ઇતિહાસ-રંગોમાં આસમાની ‘રોમાન્સ’ નથી, એવી એક નિરાધાર માન્યતા ચાલી રહી છે. ઇસ્લામી સમયનું ગુજરાત પણ રોમાંચક ઘટનાઓથી અંકિત હતું. ને એ રોમાંચક કિસ્સા તો મેં ‘મિરાતે સિકંદરી’ના આધારે, બેશક વધુ કલ્પનારંગો પૂર્યા વગર જ, આંહીં આલેખેલા છે. એ કિસ્સા, અને ‘સમરાંગણ’માં મૂકેલ યુવાન મુઝફ્ફર નહનૂના પ્રસંગો, કોઈપણ ગુજરાતી યુવાનને ગુજરાતના ઇતિહાસના અધ્યયનની લગની લગાડે તેવા છે. ગુજરાતની સંસ્કાર-ચૂંદડી પર સુલતાનિયતની તવારીખે એક ન ઉવેખી શકાય તેવી ભાત્ય પાડી છે. માંડળિક છેલ્લો ગંગાજળિયો કહેવાતો, એ પૂર્વાવસ્થામાં બધી વિદ્યાઓમાં પ્રવીણ અને વીર હતો, એના પિતાએ એને ઉચ્ચ તાલીમ આપી હતી, વગેરે ઉલ્લેખ ઇતિહાસમાં છે. (જુઓ રા. બ. ભગવાનદાસકૃત ‘સૌરાષ્ટ્ર દેશનો ઇતિહાસ’, દીવાન અમરજીકૃત ‘સોરઠી તવારીખ’ અને વિલ્બરફોર્સ બેલનું પુસ્તક ‘હિસ્ટરી ઓફ કાઠિયાવાડ’, પ્રકરણ સાતમું.) માંડળિકનાં લડાયક પરાક્રમો ઇતિહાસ-પાને ઉજ્જ્વળ છે અને પાછળથી માંડળિકનું નૈતિક અધ:પતન થયું તેનો વીશળ પ્રધાનની પત્ની બાબતનો કિસ્સો ‘મિરાતે સિકંદરી’, ‘સોરઠી તવારીખ’, ભગવાનલાલ સંપતરામના ‘સૌરાષ્ટ્ર દેશનો ઇતિહાસ’ વગરેનાં પાનાં પર ટાંકેલ છે. ‘મિરાતે સિકંદરી’માં પ્રધાનનું નામ વીશળ નહીં પણ તનહલ છે.) આમ માંડળિકનો નાશ તે એક સદાત્માનો અધ:પાત હોઈ મને એમાંથી ‘ટ્રેજડી’—કરુણરસાન્તક કથાનાં આવશ્યક તત્ત્વો મળી ગયાં. એટલે જ મેં કથાની માંડણી કરી. જો માંડળિક પહેલેથી જ દુરાત્મા હોત તો હું એને આવી કથાને પાત્ર નાયક ન બનાવત. શરૂથી આખર સુધી એકધારો દુષ્ટ અથવા ખલ વાર્તાનાયક કદાપિ ‘ટ્રેજડી’ના આલેખનને લાયક નથી; કેમ કે તેના પ્રત્યે કરુણા નિષ્પન્ન થઈ શકે નહીં. તેના મનોવ્યાપારોનાં અધોગામી પરિવર્તનો આલેખવામાં કલમ અનુકંપાનાં અશ્રુઓ ટપકાવી શકે નહીં. માંડળિક બે સ્ત્રીઓને પરણેલો, તે પણ ઐતિહાસિક માહિતી છે. કુંતાદે હાથીલા (અરઠીલા)ની રાજકુમારી ખરી, પણ સોરઠી ઇતિહાસોમાંથી દોહન કરી સર્વ વાતો લખનાર કૅપ્ટન બેલ એને ભીમજી ગોહિલની દીકરી કહી ઓળખાવે છે અને એનો ઉછેર એના કાકા દુદાજી ગોહિલના ઘરમાં દેખાડે છે. વસ્તુત: ભીમજી ગોહિલના તો હમીરજી, દુદાજી ને અરજણજી ત્રણે દીકરા હતા. કુંતાદે કોની દીકરી, તે વિશેની મારી માહિતીને વહીવંચાના ચોપડાનો આધાર છે કે કેમ તે મેં જોયું નથી; પણ દુદાજી જો કુંતાનો કાકો થતો હોય તો એ અરજણની દીકરી હોઈ શકે, તેવો તોડ ઉતારીને મેં હમીરજીને એનો કાકો બતાવેલ છે. કુંતાદેએ રા’ માંડળિકના જીવનમાં ભજવેલ આખોય ભાગ તો મારી કલ્પનાનું જ આલેખન છે. રા’ના ગંગોદક-સ્નાનના પ્રભાવે ઊનાના વીજા વાજાનો કોઢ ટળ્યો એટલી વાત ભગવાનલાલના ઇતિહાસમાંથી મળે છે. સોમનાથના મંદિરમાં માંડળિકને પડેલો પ્રસંગ મારો કલ્પેલ છે. નાગબાઈના પૌત્ર નાગાજણ ચારણ સાથે રા’ની દોસ્તી, દોસ્તીનું તૂટવું, તૂટવાનાં કારણો વગેરેને લોકકથાઓનો આધાર છે. માંડળિકને અમદાવાદ જઈ મુસલમાન બનવું પડ્યું, ત્યાં એ પોક મૂકીને એકાંતે રડતો હતો, એનું મુસ્લિમ નામ ને એની કબર—વગેરે વાતોને ‘મિરાતે સિકંદરી’નો આધાર છે. માંડળિક વટલ્યો હતો તે તો સર્વસ્વીકૃત છે. ખરો ખુલાસો ભીલકુમારના પાત્ર સંબંધે કરવો રહે છે. હમીરજી ગોહિલની કથા ઇતિહાસમાન્ય છે. ઇતિહાસમાં એક નાનકડું વાક્ય આ છે : “હમીર તેની (ભીલકન્યાની) ભેળો એક રાત રહ્યો તેથી તે બાઈને ઓધાન રહ્યું. વાઘેરમાં દીવ પરગણે જે કોળીઓ છે તે પોતાને આ મિશ્ર ઓલાદમાંથી ગણાવે છે.” (‘સૌરાષ્ટ્ર દેશનો ઇતિહાસ’ : ભગવાનલાલ.) મારે માટે આ એક જ ફકરો બસ થઈ પડ્યો. હમીરજીનો પુત્ર હમીરજીની પાછળ જન્મ્યો હોવો જોઈએ ને એના વંશવારસો રાજકુળમાંથી કે રાજભાગમાંથી વંચિત રહી શૂદ્રપણાને જ પામ્યા હોવા જોઈએ. સોમનાથને ખાતર એકલવાયા મરનાર રાજકુમારનું ભીલબાળ જો આખરે શૂદ્રનો જ વંશવેલો વહાવનાર રહ્યું હોય, ને ઇતિહાસને ચોપડે નામકરણ પણ ન પામ્યું હોય, તો તેને આ કરુણકથાનું ઉજ્જ્વલ પાત્ર બનવાનો હક છે. નાગબાઈનો પૌત્ર નાગાજણ મહમદ બેગડાના જૂનાગઢના રાજદરબારમાં ઊંચું પદ પામ્યો હતો, ને ત્યાં એણે પોતાના શુદ્ધ હિંદુત્વ પાળનાર સાથી રાજદે ચારણ પર તરકટ કરી રાજદેને પેટમાં કટાર પહેર્યે પહેર્યે બાંગ દેવાની સ્થિતિમાં પણ મૂકેલ હતો, એ કથા ચારણો જ કહે છે. એ કથામાંથી નાગાજણના પાત્રની છેલ્લી શોચનીય અવસ્થાનું સૂચન મળે છે. નરસૈં મહેતાનું પાત્ર તો સર્વમાન્ય છે. એના નામે ચાલતી આવેલી ઘટનાઓના ચિત્રણનો ઉપયોગ મેં એ પાત્રની કરુણતાના રંગો માંડળિક પર પાડવા પૂરતો જ કરેલો છે. શરૂમાં દેખાતો એક ચારણ, વીજલ વાજો, ભાટડી વગેરે જે કેટલાંક નાનાં પાત્રો આવી આવીને અદૃશ્ય થઈ જાય છે તેમનો ઉપયોગ ફક્ત માંડળિકના ચારિત્ર્યના ઘડતર પૂરતો જ કર્યો છે. ચારણીની ચૂંદડી, વીજાનો કોઢ, ભૂંથા રેઢને મળેલી સુંદરી, ભૂંથાના શરીર પરથી કપડાંનું બળી જવું વગેરે ઘટનાઓમાં જે ચમત્કારનું તત્ત્વ ચમકે છે તેનો ખુલાસો બિનજરૂરી છે. એ તો છે, લોકકથાઓની સામગ્રી. એનો સીધો સંબંધ મન પર પડતી અસરો સાથે છે. એમાં ઊંડા ઊતરવા મને અધિકાર નથી. નરસૈં મહેતાના જીવનમાં તો હું પરચા જોતો જ નથી. {યોગ અને તંત્રશાસ્ત્રના ઊંડા અવગાહન વગર આ વિષય પર અભિપ્રાય આપવાનો અધિકાર કોઈને નથી. મારું વિધાન પાછું ખેંચું છું.} એને મળેલી સહાયો પ્રભુસહાયો જ હતી, અને તે પ્રભુપરાયણ માણસો દ્વારા પહોંચી હોવી જોઈએ, એવું ઘટાવવામાં કશી જ નડતર મને લાગતી નથી. ફક્ત રતનબાઈનો પ્રસંગ મેં સહેજ બદલી વધુ વિજ્ઞાનગમ્ય બનાવ્યો છે. રતનબાઈને બદલે પ્રભુ નહીં, પણ મૂએલી રતનબાઈનો વાસનાદેહ જ પાણી પાવા આવે તે વધુ વાસ્તવિક ગણાશે. રાણપુર : ૨૦-૪-’૩૯
ઝવેરચંદ મેઘાણી

[બીજી આવૃત્તિ]

‘ફૂલછાબ’ સાપ્તાહિકનું તંત્રીપદ અને ‘જન્મભૂમિ’ દૈનિકનું સાહિત્ય-પાનું ‘કલમ-કિતાબ’, બન્ને કામો સંભાળતાં સંભાળતાં ‘ફૂલછાબ’ની ’૩૯ની સાલની વર્ષ-ભેટ માટે આલેખેલી આ કથા છે. એની નવી આવૃત્તિ કરવા બેસતાં પુષ્કળ નવસંસ્કરણ આવશ્યક લાગ્યું. છે તેટલાં પાત્રો અને પ્રસંગોમાંથી પણ વિસ્તીર્ણ પટભૂમિ ખડી કરવાની શક્યતા જણાઈ. પરંતુ એક વાર કરેલ આલેખનના ઘાટઘૂટ બદલવા બેસતાં, લાલચ વધતી વધતી સમૂળું પાયામાંથી જ ચણતર પાડી નાખવા ને નવેસર ચણવા સુધી પહોંચી જાય છે. પરિણામે મૂળ કૃતિને એનું જે કંઈ વ્યક્તિત્વ હોય તે પણ નષ્ટ થાય. એટલે એ માર્ગ લીધો નથી. છતાં મૂળનું જેમ છે તેમ રહેવા દઈ, એની અંદર પૂર્વાપરની બંધબેસતી સંકલના આણવા માટે પ્રકરણોનો ક્રમ ફેરવ્યો છે. ઊઘડતું પ્રકરણ ‘માંડળિકનું મનોરાજ્ય’ મૂકીને સમાપ્તિના પ્રકરણ સાથે તેની સમતુલા સાચવી છે. ‘તીર્થનાં બ્રાહ્મણો’વાળું પ્રકરણ સમૂળગું રદ કરી એ ઘટના આ વાર્તાના પૂર્વકાળમાં બન્યાનું સૂચિત રાખ્યું છે. ‘છેલ્લું ગાન’વાળા પ્રકરણની અંદર ફેરફાર કરી ‘હારમાળા’ની પ્રાચીન ગુજરાતી કવિતા-સાહિત્યમાં ચાલતી આવેલી ઘટના વાપરી છે, અને તેમાં શ્રી કેશવરામ શાસ્ત્રીએ સંશોધેલી, ‘ફાર્બસ સભા ત્રૈમાસિક’ના અંકોમાં પ્રગટ થયેલી, ‘હાર સમેનાં પદો’ નામક સામગ્રીનો એમના સૌજન્યથી ઉપયોગ કર્યો છે. બોટાદ : ૧૯૪૬

રા’ ગંગાજળિયો

જૂનાગઢનો રા’ માંડળિક છેલ્લો ‘ગંગાજળિયો’ કહેવાતો. પૂર્વાવસ્થામાં બધી વિદ્યાઓમાં પ્રવીણ અને વીર પિતાએ ઉચ્ચ તાલીમ આપી હતી. માંડળિકનાં લડાયક પરાક્રમો ઇતિહાસ-પાને ઉજ્જ્વળ છે. પાછળથી માંડળિકનું નૈતિક અધ:પતન થયું. માંડળિકનો નાશ એક સદાત્માનો અધ:પાત હોઈ, મને એમાંથી ‘ટ્રેજેડી’—કરુણરસાન્તક કથાનાં આવશ્યક તત્ત્વો મળી ગયાં. માંડળિકનો ઇ.સ. ૧૪૩૩થી ૧૪૭૩નો લીલાકાળ, એ ગુજરાતની નવી સુલતાનિયતના બે-ત્રણ સુલતાનોનો સમકાલ હતો. આ નવી ગુજરાતી સુલતાનિયત જે ચડતીપડતીઓ અનુભવી રહી હતી, તેને મેં વાર્તામાં ગૂંથેલ છે. મુસ્લિમ રાજરંગોની રંગભૂમિ ઉપર માંડળિકનું વ્યક્તિત્વ ઊભું કરેલ છે. ઇસ્લામી સમયના ગુજરાતની રોમાંચક ઘટનાઓ અહીં આલેખેલી છે. ગુજરાતની સંસ્કાર-ચૂંદડી પર સુલતાનિયતની તવારીખે એક ન ઉવેખી શકાય તેવી ભાત્ય પાડી છે. [૧૯૪૬] ઝવેરચંદ મેઘાણી [પુસ્તકનાં નિવેદનોમાંથી]