લઘુ સિદ્ધાન્તવહી/અનુવાદમીમાંસા
અનુવાદમીમાંસા
ગઈ કાલ સુધી સાદી અને સરલ મનાયેલી અનુવાદની ક્રિયાને આજે અનેક અભિગમથી અને અનેક સિદ્ધાન્તોથી જોવાઈ રહી છે. તંત્રવિજ્ઞાનના વિકાસ સાથે એ એક બાજુ યાંત્રિક સંકેતાન્તરણને છેડે પહોંચી છે, તો બીજી બાજુ શાસન અને સંસ્કૃતિની બદલાયેલી અર્થચ્છાયાઓ નીચે એ સૂક્ષ્માતિસૂક્ષ્મ વિવેકોનો આધાર શોધી રહી છે. અનુવાદની ગંભીર રીતે જોવાઈ રહેલી પ્રવૃત્તિ આજે તો એક સ્વતંત્ર શિસ્ત રૂપે, વિદ્યાશાખા રૂપે, અનુવાદમીમાંસા (Translation studies)ના નામે ઊભરી આવી છે. અનુવાદમીમાંસા અનુવાદની પ્રવૃત્તિની અનેકાનેક દૃષ્ટિકોણથી છણાવટ કરી રહી છે. આ છણાવટમાં ‘અનુવાદનું કાવ્યશાસ્ત્ર’ (Poetics of Translation)નો મહત્ત્વનો મુદ્દો બહાર આવી રહ્યો છે. અનુવાદનું શાસ્ત્ર સ્વતંત્ર હોઈ શકે, પણ અનુવાદ સ્વતંત્ર ન હોઈ શકે એ એક હકીકત છે. અનુવાદ બે છેડા વચ્ચેના સંબંધથી સંકળાયેલો છે. સ્રોતભાષા અને લક્ષ્યભાષા એની બે અંતિમ સીમાઓ છે. આ સીમાઓ સંવાદથી માંડી વિરોધ સુધીની ગતિવિધિની સાથે નિસ્બત ધરાવે છે. ઉદાહરણ તરીકે ઉત્તરભારતીય ભાષાઓ વચ્ચેના સંબંધો કે દક્ષિણની દ્રવિડ ભાષાઓ વચ્ચેના સંબંધો એકંદરે સંવાદના છે, તો ઉત્તરભારતીય ભાષાઓ અને દ્રવિડ ભાષાઓ વચ્ચે, પરસ્પરના સંબંધ વિરોધના છે. કદાચ ભારતીય સંસ્કૃતિની ભિન્નતા વચ્ચેની એકતા એને એકસૂત્ર કરવા પ્રવેશે અને પ્રવૃત્તિને થોડી ઓછી કઠિન બનતી અટકાવે એ શક્ય છે. એ જ રીતે ભારતીય ભાષાઓના યુરોપીય કે યુરોપીય ભાષાઓના ભારતીય ભાષાઓમાં થતા અનુવાદો ખાસ્સી વિરોધની ભૂમિકા પર ટકેલા છે. ભાષાઓના સંવાદની કે વિરોધની ભૂમિકાની જેમ આજે અનુવાદ ક્ષેત્રે કાવ્યશાસ્ત્રના સંવાદની કે વિરોધની ભૂમિકાને પણ લક્ષમાં લેવાય છે. સ્રોતકૃતિનું કાવ્યશાસ્ત્ર અને લક્ષ્યકૃતિનું કાવ્યશાસ્ત્ર અલગ હોય ત્યારે ‘અનુવાદનું કાવ્યશાસ્ત્ર’ અનુવાદક પાસે વિશિષ્ટ સંવેદના માગે છે. બીજી રીતે કહીએ તો અનુવાદના કાવ્યશાસ્ત્રની નિસ્બત સ્રોતકૃતિના કાવ્યશાસ્ત્ર અને લક્ષ્યકૃતિના એથી તદ્દન વિભિન્ન કાવ્યશાસ્ત્ર સાથેના સંબંધમાં પડેલી છે. સર્જનાત્મક સાહિત્યના અનુવાદમાં અનુવાદના કાવ્યશાસ્ત્રનો મુદ્દો મહત્ત્વનો બને છે. ભારતમાં દક્ષિણના દ્રવિડ સાહિત્યનો ઘણો બધો ભાગ દ્રવિડ કાવ્યશાસ્ત્ર પર નિર્ભર હોય ત્યારે ઉત્તરભારતના સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પર નિર્ભર અનુવાદકે કે પછી એથી ઊલટું દ્રવિડ અનુવાદકે પણ થોડેઘણે અંશે એકબીજાનું કાવ્યશાસ્ત્ર અંકે કરવાનું રહે છે. એમાંય સ્રોતકૃતિ અને લક્ષ્યકૃતિના કાવ્યશાસ્ત્રની જાણકારી પૂરતી નથી, પણ બંને કાવ્યશાસ્ત્રની ઉપપત્તિઓને અનુવાદકે સંવેદનશીલતાપૂર્વક નજીકમાં નજીક મળતી સમાન્તરતાઓના પરિપ્રેક્ષ્યમાં ખપે લગાડવાની રહે છે. સર્જનાત્મક સાહિત્યના અનુવાદમાં આ ભાગ અનુવાદક પાસે સૌથી વધુ વિવેક અને સૂક્ષ્મ સૂઝ માગી લેનારો છે. ગ્રીક કાવ્યશાસ્ત્રથી અજાણ અનુવાદક હોમરના મહાકાવ્યોને કે ફ્રેંચ પ્રતીકવાદી કાવ્યશાસ્ત્રથી અજાણ અનુવાદક, બૉદલેર, માલાર્મે કે વાલેરીની કાવ્યરચનાઓને પોતાની ભાષામાં ઉતારવા જાય તો સાહિત્યની વિશિષ્ટ હાણ સીધી નજરે ન પડે, પણ અનુવાદમીમાંસા હવે એવી હાણને અણદેખી કરી શકે તેમ નથી. ટૂંકમાં, અનુવાદની ક્રિયા એક ભાષામાંથી બીજી ભાષામાં કશુંક લઈ જવાની, આપણે માનીએ છીએ તેવી, સરલ ક્રિયા રહી નથી. રૉબર્ટ ફ્રોસ્ટે કહેલું કે અનુવાદમાં, અને ખાસ તો કવિતાના અનુવાદમાં, એની સુગંધ અદૃશ્ય થઈ જાય છે. આ અદૃશ્ય સુગંધનો આછો અણસાર આપવા માટે પણ અનુવાદકે આવા આવા મુદ્દાઓ પરત્વે સાવધ રહેવું જોઈશે.
●