લઘુ સિદ્ધાન્તવહી/અનુવાદ : એક લેખન

૯૧

અનુવાદ : એક લેખન

‘લેખકો, કૃતિઓ અને સમસ્યાઓ’ (‘Authors, Texts, Issues’-2003) નામના પોતાના ગ્રંથમાં કે. સચ્ચિદાનંદે દશેક જેટલા લેખો સમાવ્યા છે, એમાંનો એક ‘અનુવાદ : એક લેખન’ છે. એમાં સચ્ચિદાનંદે બૌદ્ધદર્શનમાં સતત પ્રવાહમાન રહેતી આત્મચેતનાના સંપ્રત્યયને અનુવાદક્ષેત્રે રોપીને પૂર્વની અને પશ્ચિમની અનુવાદ પરત્વેની ભિન્ન અભિમુખતાને દર્શાવવાનો અને પૂર્વ સંસ્થાનવાદ પરંપરાના ભારતીય અનુવાદસૂત્રને ઝાલવાનો પ્રયત્ન કર્યો છે. એમનું માનવું છે કે Translation શબ્દના ‘અનુવાદ’, ‘વિવર્ત’, ‘ભાષાન્તર’, ‘અનુકૃતિ’, ‘અર્થક્રિયા’, ‘વ્યક્તિવિવેક’ જેવા ભારતીય પર્યાયો કાંઈ જુદું જ સૂચવે છે. એમાં એક યા બીજી રીતે વૈયક્તિક ભેદ સાથેના પુનરાવૃત્ત અર્થઘટનો અપેક્ષિત છે અને મુખ્યત્વે પ્રાચીન ભારતીય ગ્રંથોનાં ભાષ્યો યા સ્થાનિકીકરણો અપેક્ષિત છે. સતત પ્રવાહમાન રહેલાં ભાષ્યો અને અર્થઘટનોનો પ્રવાહ સંકેત કહે છે કે ભારતમાં પૂર્વનિર્ણીત એવા કોઈ મૂળ સાથે બદ્ધ ન રહેનારું અનુવાદનું કાર્ય, એક રીતે જોઈએ તો સર્વસુલભ કાર્ય છે. આની સામે પશ્ચિમમાં જે.હિલ્સ મિલર જ્યારે કહે છે કે અનુવાદ તો એક શાશ્વત દેશવટો ભોગવતું ભટકતું અસ્તિત્વ છે, ત્યારે એમાં મનુષ્યનું સ્વર્ગથી પતન અને એનો દેશવટો પડઘાય છે. એ જ રીતે બાઈબલની બેબલના મિનારાની પુરાકથામાં પણ મૂળભૂત સર્વસામાન્ય ભાષાના લોપ સાથે બહુભાષાઓના અભિશાપનો સંદર્ભ છે. ભારતીય ચેતના ક્યારેય સ્વર્ગથી ચ્યુત થવાની ભીતિથી પીડાયેલી નથી. અનુવાદ આપણે માટે પ્રેમક્રીડા જેટલો સ્વાભાવિક અને સહજ કે અંગત છે. ભારતીય ચેતના પરાપૂર્વથી અનુવાદ કરનારી ચેતના છે. રામાયણનાં કેટલાં રૂપો જડે છે, મહાભારત અને ભાગવતનાં કેટલાં સંસ્કરણો છે. કદાચ મૂળ કૃતિનો વિચાર જ આપણને અપરિચિત છે. કારણ કે સતત પરિવર્તન પામ્યે જતી રચનાઓની આપણી મૌખિક પરંપરા છે - હતી. આપણે માટે અનુવાદ અન્ય સ્થળ અને કાળના લેખકની કલ્પના દ્વારા મૂળનું અનુપ્રાણિત કરવાની વાત છે. આપણે માટે તો એ આંતરકૃતિત્વનું એક સંસ્કરણ છે. મૂળથી થતાં વિચલનો પરત્વે ભારત માત્ર ઉદાર જ નથી રહ્યું પણ વિચલનોને આવકાર્યાં છે અને પ્રોત્સાહિત કર્યાં છે. તમિળ કવિ કમ્બને વાલ્મીકિના રામાયણ સાથે કેટલી બધી છૂટ લીધી છે! અને એનું પોતાની રુચિ અને પસંદગીથી દ્રવિડી રૂપ તૈયાર કર્યું છે. કમ્બનના રામાયણમાં રાવણ આદરણીય શિવભક્ત છે. તો ‘સીતાદુઃખમ્’ મલયાલમ રામાયણે રામકથાને સીતાના દૃષ્ટિબિંદુથી રજૂ કરી છે. આ બધાં ઉદાહરણો બતાવે છે કે અક્ષરશઃ ચોકસાઈ એ ભારતીય અનુવાદની ક્યારેય નિસ્બત નથી રહી. આવો ચોકસાઈનો ઉદ્વેગ તો ‘બાઈબલ’ અને ‘કુરાન’ના અનુવાદોથી આવ્યો છે, અને પછી પશ્ચિમની અનુવાદ સમજથી એ ઉદ્વેગ વધ્યો છે. અનુવાદ કૃતિ એ બહુ-પરિમાણી અવકાશ છે, જ્યાં જાતજાતનાં લખાણો ભળી શકે અને સંઘર્ષમાં પણ ઊતરી શકે. કોઈ એકમાત્ર અધિકૃત અનુવાદ ક્યારેય હોઈ શકે નહીં. દરેક અનુવાદ અનેક અનુવાદોની શક્યતામાંનો એક અનુવાદ છે. ભારતીય અનુવાદનો આ અભિગમ અનુવાદના આદર્શના ઉદ્દેશમાંથી મુક્ત રાખી, અનુવાદકને અનુવાદની વાસ્તવિકતાની મોઢામોઢા કરે છે.