લઘુ સિદ્ધાન્તવહી/કાવ્યછંદો-ચેતનાના વિસ્તારો

૭૫

કાવ્યછંદો : ચેતનાના વિસ્તારો

અનુઆધુનિકતાના મુખ્યત્વે બે ફાંટા રહ્યા છે. એક ફાંટો આધુનિકતા સાથે અનુસંધાન જાળવી આગળ વધે છે, ત્યારે બીજો ફાંટો આધુનિકતા સાથે વિચ્છેદ કરતો આગળ વધે છે. બીજો ફાંટો આધુનિકતા સાથે વિચ્છેદ કરવામાં ખાસ તો પરંપરા સાથેનું ઉત્કટ અનુસંધાન ઇચ્છે છે. એટલું જ નહીં, પણ એમ પણ માને છે કે આધુનિકતાએ કેટલીક ભૂલો કરી છે અને એ માર્ગે જવા જેવું નથી. નોબેલ ઇનામ વિજેતા રશિયન મૂળના અમેરિકી કવિ જોસેફ બ્રૉડસ્કીએ કદાચ આ જ કારણે ફ્રેન્ચ પ્રભાવ હેઠળના એઝરા પાઉન્ડ અને ટી.એસ. એલિયટની આધુનિકતા પર તેમજ વીસમી સદીના શરૂના દાયકાઓના ક્રાંતિકારી વાદો પર આક્રમણ કર્યું છે. આની સામે બ્રૉડેસ્કીએ ડબ્લ્યૂ. એચ. ઑડેન, રૉબર્ટ ફ્રૉસ્ટ અને ખાસ તો ટૉમસ હાર્ડીનાં કાવ્યપ્રતિમાન આગળ ધર્યાં છે. બ્રૉડસ્કી માટે અંગ્રેજીમાં લખવું એનું એક પ્રતીકાત્મક મહત્ત્વ હતું. ૧૯૭૨માં બ્રૉડસ્કીને બળપૂર્વક રશિયા છોડવું પડ્યું ત્યારે ડબલ્યૂ.એચ. ઑડેને આ કવિને ખાસ્સી સહાય પૂરી પાડી છે અને એટલે જ અંગ્રેજીમાં લખવું બ્રૉડેસ્કી માટે સ્વતંત્રતાની ભાષામાં લખવા બરાબર છે. બ્રૉડસ્કી રશિયન અને અંગ્રેજી બંને ભાષામાં લખે છે અને રશિયનમાં લખી પોતે જ અંગ્રેજીમાં અનુવાદ કરે છે. બ્રૉડેસ્કીએ કાવ્યસમજનાં પોતાનાં મૂળ ટૉમસ હાર્ડીમાં શોધ્યાં છે. અલબત્ત આમ તો ફ્રેન્ચ પ્રભાવિત એઝરા પાઉન્ડે પણ ટૉમસ હાર્ડી અંગે સ્પષ્ટ વિધાન કર્યું છે. ૧૯૩૪માં એઝરા પાઉન્ડ લખે છે : “ટૉમસ હાર્ડીના અવસાન બાદ કોઈએ મને લેખન અંગે કશુંય શીખવ્યું નથી.” બીજી બાજુ, બ્રૉડસ્કીનું પરંપરા તોડવા કરતાં પરંપરા પર નિર્ભર રહેવા પરત્વેનું વલણ હોવાથી ટૉમસ હાર્ડી તરફ આકર્ષાઈને એ સ્પષ્ટ માને છે કે પારંપરિક સાહિત્યરૂપી એક છદ્માવરણ આપે છે અને એથી જ જ્યાં અને જ્યારે વિશેષ છાપો મારવો હોય ત્યારે પૂરો અવકાશ આપે છે. બ્રૉડસ્કી ફ્રૉઈડથી વિરુદ્ધ જઈ અંગત અચેતનને મહત્ત્વ આપ્યા વગર ભાષાની તાત્ત્વિક ભૂમિકા પર પ્રતિષ્ઠા કરે છે. માને છે કે ભાષા કવિઓ મારફત બોલે છે. સમયથી ચિહ્નિત અને સમયને ચિહ્નિત કરનારી કાવ્યની ભાષા અતિભૌતિક શક્તિ છે, જે સમય મારફતે અને સમયઅંતર્ગત કાર્ય કરે છે, પણ ઈતિહાસની બહાર કાર્ય કરે છે. આથી જ બ્રૉડસ્કી રશિયન સ્વરૂપવાદના મહત્ત્વના મીમાંસક વિકતોર શ્ક્લોવ્સ્કીના કાવ્યશાસ્ત્રને પ્રતિપ્રાકૃતિક (antinaturalist) ગણાવે છે, કારણ કે એ અગ્રપ્રસ્તુતિ (foregrounding)ની કાવ્યપ્રવિધિ દ્વારા નિ:સંકોચપણે કૃતકતા પર આધારિત છે અને ઈતિહાસને નિહિતપણે અંતર્ગત કરીને ચાલે છે. આ રીતે બ્રૉડસ્કી ઈતિહાસ પરનો અંકુશ હટાવી લઈ કવિતાને અતિભૌતિક ભાષાને હવાલે કરે છે. બ્રૉડસ્કી દૃઢપણે માને છે કે ભાષા મનુષ્યનો ઉપયોગ કરે છે, મનુષ્ય ભાષાનો ઉપયોગ નથી કરતો. અને આવું કહે છે ત્યારે બ્રૉડસ્કીના મનમાં કાવ્યછંદોનો સંદર્ભ હોય છે. અને કદાચ એથી જ કવિતાનું મુક્તિ આપનારું કાર્ય આગળ ધરી કવિતાના લયને-નાદને-સમર્પિત થવાનું વાચકોને એ સૂચન કરે છે. કહે છે : “કાવ્યછંદો પોતાની રીતે એક પ્રકારના ચેતનાના વિસ્તારો છે, જેનું સ્થાન કોઈ લઈ ના શકે.” બ્રૉડસ્કીની નાદ કે લય પરત્વેની શ્રદ્ધાને જોઈને જે.એમ. કોત્ઝીએ જે વિચાર ધર્યો છે તે કવિતાને નાદની કલા તરીકે ઓળખાવતા પહેલાં, ધ્યાન પર લેવા જેવો છે. કોત્ઝી કહે છે કે છંદો કદાચ સંગીતની પરિભાષામાંથી ઉત્ક્રાંત થયા હશે, પણ કવિતા સંગીતની વસ નથી. સ્પષ્ટ રીતે કહીએ તો કવિતા શબ્દો દ્વારા રચાય છે. એક બાજુ પ્રાચીન સમયથી સંગીત પાસેથી આવેલું કવિતાના નાદનું શાસ્ત્ર આપણી પાસે છે, તો બીજી બાજુ કવિતામાં થતી અર્થનિષ્પત્તિ માટેના સંખ્યાબંધ સિદ્ધાંતો આપણી પાસે છે. આ બંનેનું સંયોજન કરે એવા એક વ્યાપક સિદ્ધાન્તની હજી આપણી ખોજ છે. બ્રૉડસ્કી અને એના ઉપરનું કોત્ઝીનું ટિપ્પણ કાવ્યસાહિત્યને સમજવામાં નવાં પરિમાણો જરૂર ધરે છે.