લઘુ સિદ્ધાન્તવહી/કવિતા : મસ્તિષ્કના પક્વકોષો માટે

૭૪

કવિતા : મસ્તિષ્કના પક્વકોષો માટે

સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને સાહિત્ય જેવી કલાઓને બાજુબાજુમાં મૂકી એની ઉચ્ચાવચતા અંગે ઘણીવાર નિર્ણય કરવામાં આવ્યો છે. ઘણી વાર સાહિત્યને ઊંચા ગુણ આપવામાં આવ્યા છે. સાહિત્યના પ્રકારોમાં યે કાવ્ય જેવા પ્રકારને સૌથી ઊંચા ગુણથી નવાજવામાં આવ્યો છે તો સાથે સાથે દરેક કલાની વિશિષ્ટતા અને મર્યાદા એની પોતાની છે અને તેથી કલાઓની અસદૃશતા (incommensurability)ને પણ ક્યારેક આગળ ધરવામાં આવી છે. ક્યારેક દૃશ્ય અને શ્રાવ્ય કલાઓ એકબીજાને આડકતરા સંકેતોથી અતિક્રમી જાય છે એવું લાંબા વિશ્લેષણોથી સિદ્ધ કરવામાં આવ્યું છે. એક વાર તો કલાઓ વચ્ચે કવિતાની બોલબાલા એવી રહી કે સાહિત્યક્ષેત્રે પણ બધા જ પ્રકારો પર કવિતાનો પ્રકાર છવાઈ ગયો હતો. એનાથી આગળ વધી કવિતાના શાસ્ત્રથી સાહિત્યના કથાપ્રકારને મૂલવવાનાં સાહસો સુધી વિવેચન પહોંચી ગયું હતું. ટૂંકમાં, કલાઓમાં સાહિત્ય પરત્વેનો અને સાહિત્યમાં કવિતા પરત્વેનો પક્ષપાત વિવેચનમાં ક્યાંક ને ક્યાંક ડોકાતો રહ્યો છે. વિવેચનક્ષેત્રે કવિતા પરત્વેના આ પક્ષપાતભર્યા વલણને જાણે કે હમણાં વૈજ્ઞાનિક સમર્થન મળ્યું છે. સ્કૉટલેન્ડની ડંડી (Dandee) અને સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીઓમાં મનોવિજ્ઞાનીઓએ પ્રયોગો કર્યા છે અને તારવ્યું છે કે નવલકથા કરતાં કવિતા મગજને વધુ કસે છે. કારણ કે, નવલકથાવાચન કરતાં કવિતાવાચન દરમિયાન આંખનું ઊંડા વિચારોથી ભર્યું વધુ પ્રમાણમાં હલનચલન જોવા મળે છે. એટલું જ નહીં, વાચકો ગદ્ય કરતાં કવિતાને બહુ ધીમે વાંચે છે. ફરી ફરીને એકાગ્રતાથી એક એક પંક્તિને વાંચે છે. વળી, મસ્તિષ્કની કલ્પવાની રીતિનો ઉપયોગ કરતાં પ્રાથમિક અભ્યાસમાં જણાયું છે કે વાચકો જ્યારે કવિતાને મોટેથી વંચાતી સાંભળે છે ત્યારે મસ્તિષ્કની ક્રિયાઓનો સ્તર ઘણો ઊંચો રહે છે. મનોવિજ્ઞાનીઓના આ સંશોધકજૂથમાં સાહિત્યની એક વિદુષી મહિલા જેન સ્ટેબલર (Jane Stabler) પણ કાર્યરત છે. એનું માનવું છે કે કવિતા, બાળપણમાં વિકસિત થયેલા લય અને પ્રાસના નિહિત સંસ્કારોને મસ્તિષ્કમાં જગાડે છે. વળી કાવ્યરચનાઓમાં વિનિયોગ પામેલાં ઉત્કટ કલ્પનો અને એમાં વપરાયેલી રચનારીતિઓ વાચકોને અનિર્ણીત રાખે છે અને દરેક પંક્તિ માટે કાળજીપૂર્વક વિચારવા થોભાવે છે. વાચકને તરત એવું લાગે છે કે આ કોઈ જુદા પ્રકારની ભાષા છે. કવિતાની આવી સઘન પદાવલિ માટે વધુ એકાગ્રતાથી અભિગમ લેવાની એને ફરજ પડે છે. કદાચ એનું કારણ એ હશે કે રચનાના શબ્દોને સાંભળવા કે કાલ્પનિક ઘટનાની પુનર્રચના કરવા વાચકને મથવું પડતું હશે. વાચકોની પ્રતિક્રિયાઓને નોંધવા માટે આ સંશોધકજૂથે વાચકોની આંખોની કીકીઓ પર ઈન્ફ્રારેડ બીમને કેન્દ્રિત કરેલું. આને કારણે વાચક વાંચતો હોય ત્યારે એની આંખોના સૂક્ષ્મમાં સૂક્ષ્મ હલનચલનને પામી શકાય. આ સંશોધક જૂથને લાગ્યું છે કે કવિતા, બૌદ્ધિક દુ:સાધ્યતા સાથે સંકળાયેલા તમામ સંકેતોને નિર્દેશે છે, એમાં સભાન ગતિ, પુનર્વાચન અને સંવેદવા માટેના દીર્ઘવિરામો જોઈ શકાય છે. આ વૈજ્ઞાનિક તારણ વિવેચનની એક પ્રતીતિને સ્પષ્ટ કરે છે કે કવિતા મસ્તિષ્કના પક્વ કોષો માટે છે, કવિતા ધીમેથી, નજીકથી અને સઘન રીતે પુનઃ પુનઃ વાંચવાની વસ છે.