લઘુ સિદ્ધાન્તવહી/ગીર્ત્ઝનું સંસ્કૃતિમૂલક નૃવંશવિજ્ઞાન


ગીર્ત્ઝનું સંસ્કૃતિમૂલક નૃવંશવર્ણન

આજના સાહિત્યવિવેચનમાં સંસ્કૃતિની વિભાવના પ્રમુખ સ્થાન લઈ રહી છે, એવું છેલ્લા કેટલાક સમયથી વિકસેલા સાંસ્કૃતિક ભૌતિકવાદ (cultural Materialism) ઉપરાંત માનવજાતિ વિજ્ઞાન (ethnography), નૃવંશવિજ્ઞાન અને સમાજવિજ્ઞાનના દાખલ થયેલા અભિગમોએ સ્પષ્ટ કરવા માંડ્યું છે. સાહિત્યકૃતિને સૌથી અલગ પાડીને જોવાના ખ્યાલથી દૂર હટીને હવે સાહિત્યિક-ઐતિહાસિક શોધ આગળ વધી રહી છે. સાહિત્યકૃતિ ઈતિહાસમાં રોપાયેલી છે અને ઇતિહાસ ખુદ પણ કોઈ ચોક્કસ સંસ્કૃતિના પ્રતિનિધાન રૂપે જોવાઈ રહ્યો છે. જોનથન ડોલિમૉર અને ઍલન સિનફીલ્ડ જેવાનો સાંસ્કૃતિક ભૌતિકવાદ દર્શાવે છે કે કોઈપણ સાહિત્યકૃતિની સર્જન અને અભિગ્રહણની પરિસ્થિતિઓથી સંસ્કૃતિ અવિયુક્ત છે. નૃવંશવિજ્ઞાનના સિદ્ધાન્તનો સ્વીકાર કરીને આજનું સાહિત્યવિવેચન પણ પારંપરિક રીતે સાહિત્યકૃતિને સંરક્ષતી સંકુચિત સ્વાયત્તતાને પડકારી રહ્યું છે. અલબત્ત માર્ક્સવાદ અને સાહિત્યના સમાજવિજ્ઞાને ‘બાહ્ય’ સાથે સાહિત્યકૃતિને જોડવા પ્રયત્ન નહોતો કર્યો એવું નથી, પરંતુ સંસ્કૃતિ અને કૃતિ વચ્ચેના તદ્દન નવા અભિગમથી અત્યારે કામ થઈ રહ્યું છે. સંસ્કૃતિ એ કોઈ કૃતિની સાથે હવે સંલગ્ન વસ્તુ નથી. કૃતિ સંસ્કૃતિ સાથે સંલગ્ન છે એવું માનવાનું છોડીને કૃતિ સંસ્કૃતિનો જ ભાગ છે એવું માનીને આજનું વિવેચન ‘સંદર્ભ’ને દાખલ કરી રહ્યું છે અને આ સંદર્ભ સાથે પ્રતીકાત્મક વિનિમયોની ગતિશીલ વિભાવના સંકળાયેલી છે. પરંતુ અહીં સંસ્કૃતિનો ઉપયોગ કૃતિને જગત સાથે જોડવામાં થતો નથી. કારણ સંસ્કૃતિ પોતે પણ એક કૃતિ છે. કૃતિ એ કેવળ એના જગતનું પ્રતિબિંબ કે એની અભિવ્યક્તિ નથી. કૃતિ પોતે એ જગતમાં ઉત્પાદન અને કાર્યમાં સક્રિય ભાગ ભજવે છે. સાહિત્યવિવેચનના સાહિત્યકૃતિ પરત્વેના આ અભિગમને સ્ટીફન ગ્રીનબ્લેટ સંસ્કૃતિમૂલક કાવ્યશાસ્ત્ર (cultural poetics) તરીકે ઓળખાવે છે. સંસ્કૃતિમૂલક કાવ્યશાસ્ત્રમાં સંસ્કૃતિ ન તો કલાના ક્ષેત્ર પૂરતી સીમિત છે, ન તો કાવ્યશાસ્ત્ર સાહિત્યકૃતિ પૂરતું મર્યાદિત છે. સંસ્કૃતિમૂલક કાવ્યશાસ્ત્રે સાંસ્કૃતિક નૃવંશવિજ્ઞાન (cultural anthropology)માંથી ખાસ્સું પોષણ મેળવ્યું છે અને સંસ્કૃતિમૂલક નૃવંશવિજ્ઞાનનો ખ્યાલ ક્લિફર્ડ ગીર્ત્ઝે આપ્યો છે. શિકાગો યુનિવર્સિટી અને પછી પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં સક્રિય રહેનાર ગીર્ત્ઝે સંસ્કૃતિ અંગેના એકત્વના ખ્યાલને નકારી સ્પષ્ટ કહ્યું છે કે કોઈ એક જ વિચાર માનવસંસ્કૃતિને વ્યાખ્યાયિત કરી શકે નહીં. કોઈ એક સત્ત્વ કે લક્ષણ સંસ્કૃતિઓને જોડી શકે નહીં. ગીર્ત્ઝ માને છે સંસ્કૃતિનાં સ્વરૂપો ન તો સ્થિર છે ન તો કોઈ એકીકૃત અખિલાઈથી પૂર્વનિશ્ચિત છે. સંસ્કૃતિઓ ગતિશીલ રચનાતંત્રો છે, જેમાં સંકેતો, કૃતિઓ, કાર્યો વિધિવિધાનો જાહેર ઘટનાઓ રૂપે અન્ય સંકેતો સાથે વિમર્શ (negotiate) કરે છે. આ રીતે માનવકાર્યો જેમાં આકાર લે છે અને અર્થપૂર્ણ બને છે એ સંદર્ભના અભ્યાસ દ્વારા ગીર્ત્ઝ સંસ્કૃતિને સમજવા માગે છે ગીર્ત્ઝે આ સંદર્ભમાં ઘનિષ્ઠ વર્ણન (Thick description)ની પદ્ધતિ સ્વીકારી છે. ગીર્ત્ઝનું માનવું છે કે લેવિ સ્ટ્રાઉસ દ્વારા વસ્તુલક્ષી લક્ષણોની માત્ર યાદી આપીને સંતોષ મેળવતા અ-ઘનિષ્ઠ વર્ણનનો (Thin description)નો કશો અર્થ નથી. સંસ્કૃતિઓને પામવા માટે ગીર્ત્ઝ ઘનિષ્ઠ વર્ણનની પદ્ધતિ મારફતે મૂળ સંસ્કૃતિના સંદર્ભમાં ચોક્કસ ઘટનાની પરિપૂર્ણતા શોધે છે. આ પદ્ધતિ સ્વીકારીને ચાલે છે કે કોઈ પણ સંસ્કૃતિ ઘટના એ સ્વતઃ પ્રમાણયુક્ત નથી. ગીર્ત્ઝની આ પદ્ધતિને અપનાવીને સાહિત્યવિવેચન આશયમાં અર્થને શોધવાને બદલે કે લેખક યા કૃતિની માનસિક સામગ્રીમાં અર્થ શોધવાને બદલે સમસ્ત વ્યવહારના માળખાઓ વચ્ચે સાહિત્યકૃતિના પ્રભાવ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કૃતિને અહીં પ્રભાવક પ્રતીક તરીકે સ્વીકારવામાં આવે છે. કૃતિ જેમાં પરિચાલિત થઈ એ સામાજિક અને સાંસ્કૃતિક સ્વરૂપોને જો વર્ણન સ્પર્શતું હોય તો તે ઘનિષ્ઠ વર્ણન છે. કૃતિનું ઘનિષ્ઠ વર્ણન પરિચિત સ્વરૂપવાદથી જુદું પડે છે. ઘનિષ્ઠ વર્ણન સાહિત્યકૃતિનો અર્થ ન તો માત્ર સાહિત્યકૃતિમાં શોધે છે ન તો સર્વસામાન્ય એવી પૂર્વે હયાત કોઈ પાર્શ્વભૂમાં શોધે છે. અહીં સાહિત્યકૃતિ સંદર્ભે જે વિશિષ્ટ છે તે નવી ઘટનાઓ અને નવી પ્રતિક્રિયાઓ મારફતે સતત નવીકરણ પામ્યા કરે છે.