લઘુ સિદ્ધાન્તવહી/અસદૃશતા-અનુઆધુનિક સંજ્ઞા


અસદૃશતા : અનુઆધુનિક સંજ્ઞા

આજના અનુઆધુનિક યુગમાં વૈશ્વિકીકરણની સાથે સાથે સ્થાનિકીકરણની ઘટના સ્વાભાવિક બની રહી છે, એ એક મોટો વિરોધાભાસ છે. પણ મનુષ્યજાતિને અપાયેલાં મોટાં મોટાં વચનો કે મનુષ્યકલ્યાણ અંગેનાં મોટાં મોટાં આયોજનો નિષ્ફળ ગયાં છે. એની હતાશાએ અનુઆધુનિકતાના પ્રણેતાઓને મોટાં વૃત્તાન્તો છોડી લઘુવૃત્તાન્તો તરફ દોર્યા છે. એ જ અભિગમ કદાચ વિરોધાભાસના પાયામાં પણ હશે. કદાચ એથી જ આજના ઘણા અનુઆધુનિકતાવાદીઓ ‘સપિર-હોર્ફ-અભિધારણા’ને દૃઢ કરી રહ્યા છે. એમ કરવામાં એમણે ‘અસદૃશતા’ (incommensurability)નો વિચાર વહેતો કર્યો છે. ‘સપિર-હોર્ફ અભિધારણા’ પ્રમાણે ભાષાકીય સંરચનાઓ મનુષ્યની વિચારતરેહોને ઘડે છે. એટલું જ નહીં, પણ જગત અંગેના આપણા સંવેદનને પણ નિર્ણીત કરી આપે છે. આનો અર્થ એ થયો કે અલગ અલગ ભાષાના ભાષકો બે અલગ અલગ વિશ્વમાં જીવે છે. આ સંદર્ભમાં ‘અસદૃશતા’ સંજ્ઞાનો વ્યાપક પ્રચાર થયો છે, અને એ દ્વારા સૂચવાયું છે કે બધી ભાષાઓ એકબીજાથી અસદૃશ હોય છે. ભાષાક્ષેત્રે ‘અસદૃશતા’નો વિચાર આમ જોઈએ તો ગણિતના સિદ્ધાન્તમાંથી ઉપાડવામાં આવ્યો છે. ગણિતમાં આ સંજ્ઞા, જેમનું કોઈ સર્વસામાન્ય માપ ન હોય એવા બે ગુણોને કે પરિમાણોને નિર્દેશે છે. આ વિચારને ભાષાક્ષેત્રે ખેંચી લાવી બતાવવામાં આવ્યું છે કે જો બે ભાષાની સંરચનાઓ એકબીજા વચ્ચેના ચોક્કસ અનુવાદને અઘરો કે અશક્ય બનાવે તો તે બે ભાષાઓ અસદૃશ છે. અસદૃશના ખ્યાલને વિલર્ડ વાન ઑરમન ક્વીને (Willard van orman Quine) બરાબર વિકસાવ્યો. ખરેખર તો અનુઆધુનિકતાયુગમાં દેરિદાએ અર્થ અંગેનો જે સર્વસામાન્ય શંકાવાદ ઊભો કર્યો, એનું જ એક આ ફરજંદ છે. ક્વીને અનુવાદનો સંદર્ભ લઈ આ વાતને રજૂ કરી અને ‘અનુવાદની અનિર્ણીતતા’ એવી સંજ્ઞા પ્રયોજી. ‘અનુવાદની અનિર્ણીતતા’ દ્વારા એને એ અભિપ્રેત નથી કે અનુવાદની પ્રક્રિયામાં નાની નાની અર્થઇચ્છાઓ લુપ્ત થઈ જતી હોય છે. એને સ્થાને ક્વીન, ન ઝલાતી નાની નાની અર્થચ્છાયાઓના મુદ્દાને જ નકામો ગણે છે. કારણ, એને મતે દરેક ભાષા જુદી જ વસની બનેલી છે અને જુદી જ રીતે જગતને રજૂ કરે છે. આ જ ‘અસદૃશતા’ના વિચારને લ્યોતારે ‘વિવાદ’ (દીફરાં, differend) હેઠળ વિકસિત કર્યો છે. ‘વિવાદ’માં બંને પક્ષમાંથી દરેક પક્ષને પોતાની જુદી ભાષા જ નહીં, પણ એમનું જૂદું જગત પણ હોય છે. પોતાના હેતુઓ અને લક્ષ્યો સાથે એ પક્ષ ભાષામાં જીવે છે. આમ બંને પક્ષ એકબીજાથી તદ્દન અલગ એવી ભાષાઓ ખપમાં લે છે. અહીં પરસ્પરને મેળ ન પડે એવો જે ભેદ ઊભો થાય છે તે લ્યોતારને મન ‘વિવાદ’ છે. એટલે કે દરેક પક્ષ અન્યથી અસદૃશ ભાષારૂપને પ્રયોજતાં વિવાદ જન્મે છે. ઉદાહરણ તરીકે દુષ્ટ માલિક દ્વારા શોષણ પામતો કર્મચારી કોર્ટમાં માલિક પાસેથી વસૂલાત મેળવી શકતો નથી, કારણ કે એ કોર્ટ પોતે જ એવા સામાજિક નિયમો આધારિત ઊભેલી છે જે માલિકો દ્વારા થતા આર્થિક શોષણને અનુમોદન આપે છે. આ વિવાદ ઊકલે એવો નથી. મોટે ભાગે વધુ સત્તાશીલ પક્ષ બીજા પક્ષ પર હાવી થઈ જઈ શકે છે. વિવાદ આમ સામાન્ય રીતે બલિષ્ઠ સત્તા દ્વારા દબાવી દેવામાં આવે છે. પરંતુ લ્યોતાર ‘વિવાદ’ના મુદ્દા દ્વારા અબલિષ્ઠ સત્તાને ઓળખવા કરે છે. આ અંગે એવું ભાષાવિધાન (phrase regime) શોધવા મથે છે કે જેમાં અ-બલિષ્ઠ પક્ષની ફરિયાદ રજૂ થઈ શકે. ઉત્તર અમેરિકામાં કે ઑસ્ટ્રેલિયામાં ત્યાંના મૂળ વતનીઓના જમીનની માલિકીના દાવાઓ ઉદાહરણ રૂપે તરત નજર સમક્ષ આવે. આમ લ્યોતારનો ‘વિવાદ’નો મુદ્દો શોષિત લોકો અને લઘુમતી જૂથ પોતાના અવાજને રજૂ કરી શકે એવા એમના અધિકાર તરફ નિર્દેશ કરે છે. સાહિત્યમાં અનુવાદની પ્રક્રિયાથી માંડી સામાજિક-રાજકીય ક્ષેત્રે શોષણના મુદ્દા સુધી અસદૃશતાની અનુઆધુનિક સંજ્ઞા એ રીતે મહત્ત્વની બની રહી છે.